જૂનાગઢ : 13 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે સદીઓ પછી પણ રેડિયો મનોરંજન સાથે માહિતી પીરસતા માધ્યમ તરીકે અકબંધ જોવા મળે છે. માલદેભાઈ દાસા રેડિયોના એક એવા પ્રેમી છે જેની મિશાલ આજે શોધવી ખૂબ મુશ્કેલ છે. શાળાના દિવસો દરમિયાન શરૂ થયેલો રેડિયો પ્રત્યેનો પ્રેમ આજે પણ તેમના જીવનમાં એકદમ અડીખમ જોવા મળે છે. જે રીતે માધ્યમમાં સંસ્કરણો આવતા ગયા પરંતુ રેડિયો આજે પણ અણનમ જોવા મળે છે, તેવી જ રીતે માલદેભાઈનો રેડિયો પ્રેમ આજે સતત અંકુરીત થતો જોવા મળે છે.
રેડિયો પ્રેમી માલદેભાઈ : માલદેભાઈ દાસા શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેમનો રેડિયો પ્રત્યેનો અનહદ લગાવ શરૂ થયો. આ અગાઉ તેમણે શાળામાં અભ્યાસ કરવાની સાથે સ્વબળે કમાયેલા રૂપિયામાંથી રેડિયો ખરીદવાની તલાવેલી થઈ હતી. આજથી 40 વર્ષ પૂર્વે વેકેશનના સમયમાં માલદેભાઈ દાસાએ પ્રતિદિવસ 10 રૂપિયાના દરથી નોકરી કરીને 280 રૂપિયા જાતે કમાઈને તેમાંથી જીવનનો પ્રથમ રેડિયો ખરીદ્યો, જે રેડિયો બુશ કંપની દ્વારા નિર્મિત હતો. ત્યારથી લઈને આજ દિન સુધી રેડિયો પ્રેમની આ સફર માલદેભાઇ દાસાના જીવન સાથે સતત વણાયેલી જોવા મળે છે.
અમૂલ્ય રેડિયો કલેક્શન : રેડિયોને જીવનના પ્રત્યેક પ્રસંગ સાથે વણી ચૂકેલા માલદેભાઈ દાસા પાસે આજે જાપાન, અમેરિકા અને જર્મની સહિત દેશ-વિદેશમાં નિર્મિત 200 કરતા વધુ નાના-મોટા રેડિયોનો સંગ્રહ જોવા મળે છે. જેમાં બુસ, મરફી, જેનિથ, ગ્રુડિગ, સોની, નેશનલ અને પેનાસોનિક સહિત દેશી અને વિદેશી રેડિયો કંપનીના ટ્રાન્ઝિસ્ટર આજે પણ ચાલુ હાલતમાં જોવા મળે છે. દર અઠવાડિયે એક રેડિયો વગાડીને માલદેભાઈ તમામ રેડિયોની જાળવણી સ્વયં કરે છે. કેટલાક રેડિયોમાં રીપેરીંગનો પણ સવાલ ઊભો થાય છે. ત્યારે માલદેભાઈ આ રેડિયો રીપેર કરાવી શ્રાવ્ય માધ્યમ થકી તેના પ્રત્યેક શ્વાસોમાં વણાયેલા રેડિયોને એક નવું જીવન પણ આપી રહ્યા છે.
રેડિયો એ મ્યુઝિક થેરાપીનું કામ પણ કરે છે. નાના-મોટા રોગ અને ખાસ કરીને માનસિક તાણ રેડિયો સાંભળવાથી દૂર થાય છે. -- માલદેભાઈ દાસા (રેડિયો સંગ્રહકાર)
માલદેભાઈની મહેનત રંગ લાવી : રેડિયોને જીવનના શ્વાસ સાથે વણી ચૂકેલા માલદેભાઈ રેડિયોને સરપ્રાઈઝ આપતા એક માધ્યમ તરીકે પણ વર્ણવે છે. ટીવી અને અન્ય માધ્યમોમાં સરપ્રાઈઝ જળવાતી નથી, પરંતુ રેડિયો સરપ્રાઈઝ આપવાની સાથે પ્રત્યેક વ્યક્તિના રસ અનુસાર શ્રાવ્ય માધ્યમથી મનોરંજન પૂરું પાડે છે. જેના કારણે રેડિયો આધુનિક સમયમાં પણ એક અદકેરુ માન અને સન્માન ધરાવે છે. પાછલા પાંચ વર્ષથી માલદેભાઈ વેરાવળ વિસ્તારમાં એફએમ રેડિયો સ્ટેશન શરૂ થાય તે માટે અભિયાન ચલાવી રહ્યા હતા. સુષ્મા સ્વરાજથી લઈને અત્યાર સુધીના માહિતી અને પ્રસારણ મંત્રીઓને સોમનાથમાં એફએમ રેડિયો સ્ટેશન શરૂ થાય તે માટે પત્ર પણ લખ્યા છે. તેમની આ મહેનતના કારણે આજે વેરાવળમાં એફએમ રેડિયો સ્ટેશન પણ કાર્યરત બન્યું છે.
રેડિયો પ્રેમનો અનોખો કિસ્સો : માલદેભાઈ દાસા રેડિયોના એટલા શોખીન છે કે જ્યારે વેરાવળમાં એફએમ રેડિયો સ્ટેશન ન હતું ત્યારે તેઓ વહેલી સવારે 4:30 વાગ્યે વેરાવળથી ટ્રેન મારફતે રાજકોટ જતા હતા. આખો દિવસ રાજકોટમાં એફએમ રેડિયો સાંભળીને એક અનોખી રીતે રેડિયોના મનોરંજનની મજા પણ માણતા હતા. આ પ્રકારે કોઈ રેડિયો પ્રેમી રેડિયો પાછળ ઓળઘોળ હોય તેવું માલદેભાઈના કિસ્સા સિવાય કદાચ ક્યારેય જોવા પણ ન મળે. રેડિયો પર કિશોર કુમારના ફિલ્મી ગીતો સાંભળવાની સાથે ભજન સાંભળવાનું આજે પણ માલદેભાઈ ચુકતા નથી. તેઓ રેડિયો સાંભળવા માટે દિવસમાં કોઈ પણ પળે ચોક્કસ સમય પણ કાઢે છે.