જૂનાગઢ: વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જેને સૌરાષ્ટ્રમાં અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસને વણજોયા મુહૂર્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો દાન પુણ્ય અને સુવર્ણ ખરીદવાને લઈને પણ વિશેષ પરંપરા જોવા મળે છે જાણો શું છે.
અક્ષય તૃતીયાનું ધાર્મિક મહત્વ: વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જેને સૌરાષ્ટ્રમાં અખાત્રીજના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર વસંત પંચમી બાદ અક્ષય તૃતીયાના દિવસને વણ જોયા મુહૂર્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કરેલું કોઈ પણ કામ અક્ષય એટલે કે ખંડિત થયા વગર પૂર્ણ થાય છે, જેથી અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ મુહૂર્ત જોયા વગર કરવાની વિશેષ પરંપરા હિંદુ પંચાંગમાં જોવા મળે છે.
શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી સાથે જોડાયો પ્રસંગ: અક્ષય તૃતીયાને શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી સાથે જોડીને ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાથી ભગવાનને 21 દિવસ ચંદનનો લેપ કરવાની વિશેષ પરંપરા શરૂ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે જ બદ્રીનાથ ધામના કપાટ પણ ખુલતા હોય છે. વધુમાં અક્ષય તૃતીયાના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર આજના દિવસે ગરીબ લોકોને અન્ન અને વસ્ત્રનું દાન કરવાની સાથે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવાથી પણ કોઈ પણ જીવને તેમની ઈચ્છા અનુસાર નું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે.
પરશુરામ નો પ્રાગટ્ય દિવસ: હિંદુ પંચાંગ અનુસાર સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય પણ થયું હતું. સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ રાજા ભગીરથિ દ્વારા આજના દિવસે ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ કરાયું હતું. અક્ષય તૃતીયાના દિવસે અન્નપૂર્ણા દેવીનું પ્રાગટ્ય પણ હોવાનું માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે મહાભારતનુ યુદ્ધ પૂર્ણ જાહેર કરાયું હતું, આવી અનેક ધાર્મિક માન્યતા અને પરંપરા અક્ષય તૃતીયાના દિવસ સાથે જોડાયેલી છે. જેથી હિન્દુ પંચાંગ અને સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું ધાર્મિક અને સામાજિક રીતે પણ ખૂબ જ મહત્વ જોવા મળે છે.
આજના દિવસે શુભ કાર્યોની ભરમાર: અક્ષય તૃતીયાના દિવસને શુભ કાર્યો કરવા માટે સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી આજના દિવસને વણજોયા મુહૂર્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સૌથી વધુ લગ્નના પ્રસંગો આયોજિત થતા હોય છે. આ સિવાય નવું ઘર ખરીદવાની સાથે ગૃહ પ્રવેશ ઘરમાં કળશ સ્થાપન ઉપરાંત જીવન જરૂરી અને મહત્વની ચીજ વસ્તુઓની ખરીદી ખાસ કરીને પીળી ધાતુ એટલે કે જેને લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે, તેવા સોનાની ખરીદી પણ લક્ષ્મીજીના પ્રતિક રૂપે અક્ષય તૃતીયાના દિવસે કરાતી હોય છે. એક અંદાજ મુજબ અક્ષય તૃતીયાના દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર સોનાની ખરીદી કરતો હોય છે.