ભાવનગર : સલામત સવારી એસટી બસને ભાવનગરમાં ગંભીર અકસ્માત નડ્યો છે. ભાવનગર ચોગઠના ઢાળ નજીક પાલીતાણા-મણિનગર એસટી બસ પુલ પરથી પલટી ગઈ હતી. બનાવને લઈને એસટી ઇન્ચાર્જ નિયામક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે આ બનાવમાં એકલદોકલ લોકોને નાની મોટી ઇજા થવા સિવાય કોઈ મોટી જાનહાની થઈ નથી.
પાલીતાણા-મણિનગર બસ : ભાવનગર જિલ્લાના પાલીતાણા એસટી ડેપોની બસ સાંજે સાડા પાંચ કલાક બાદ મણિનગર જવા માટે રવાના થઈ હતી. બસમાં મુસાફરો પોતાના મંજિલે પહોંચવા નિરાંતે બેસી ગયા હતા. પરંતુ સંધ્યા થતા જ ભાવનગર વલ્લભીપુર હાઇવે પર એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ બસ પુલ પરથી નીચે ખાબકી ગઇ હતી. જોકે કોઈ મોટી જાનહાની થવા પામી નથી. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા.
એસટી બસને નડ્યો અકસ્માત : ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજી પર્વત અને જૈન સમાજની તીર્થ નગરી કહેવામાં આવે છે. જ્યાં તીર્થ સ્થાને અનેક શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે. ભાવનગર ઇન્ચાર્જ એસટી વિભાગના નિયામક એસ. પીય સુથારે જણાવ્યું હતું કે, પાલીતાણાથી મણિનગર તરફ જતી એસટી બસ સાંજે 5:30 કલાક બાદ પાલીતાણા બસ સ્ટેન્ડથી રવાના થઈ હતી. ભાવનગર વલભીપુર હાઈવે પર ચોગઠના ઢાળ નજીક પુલ પરથી પસાર થતા સમયે એક વીલ નીચે ઉતરી જતા બસ પલટી ખાઈ ગઈ હતી.
આવી રીતે સર્જાયો અકસ્માત : પાલીતાણાથી મંજીલે જવા રવાના થયેલ એસટી બસમાં નીકળેલા મુસાફરોને મનમાં ખ્યાલ નહીં હોય કે આ બસનો અકસ્માત થવાનો છે. પાલીતાણાથી મણિનગર તરફ જતી એસટી બસ ચોગઠના ઢાળ નજીક બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે સામેથી આવી રહેલા ડમ્પરને તારવવા જતા એસટી ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસને એક તરફ કરવા જતા પુલ પરથી વ્હીલ નીચે ઉતરી જતા બસ પલટી મારી ગઈ હતી.
મોટી જાનહાનિ ટળી : બસમાં સવાર 35 જેટલા મુસાફરોમાંથી બે લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 મારફત વલભીપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરીને મણીનગર રવાના કરાયા હતા. આમ જોઈએ તો પુલની ઊંચાઈ પાંચ ફૂટ જેટલી હતી. ઓછી ઊંચાઈ હોવાના કારણે મોટી જાનહાનિ થતા ટળી ગઈ છે. બનેલા બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. બનાવ બાદ ઇન્ચાર્જ એસ ટી નિયામકે પણ ઘટનાસ્થળની મુલાકાત કરી હતી.