જુનાગઢ: પ્રકાશના પર્વ દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન પૂજન અને તેમને કમળ પુષ્પ અને ખાસ કરીને લાલ કલરનું કમળ પુષ્પ અર્પણ કરવાની એક ધાર્મિક પરંપરા જોવા મળે છે. માતા લક્ષ્મીનો કમળમાં વાસ હોવાની માન્યતાને કારણે પણ આજના દિવસે તેમને કમળ પુષ્પ અર્પણ કરવામાં આવે છે.
દિવાળી નો તહેવાર અને મહાલક્ષ્મીને કમળ પુષ્પ
આજે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધુમ પૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. પ્રકાશના પર્વ દિવાળીને મહાલક્ષ્મીના દર્શન પૂજન સાથે પણ સદીઓથી સબંધ જોડાયેલો છે. આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન પૂજન અને કમળ પુષ્પ અર્પણ કરવાને લઈને એક વિશેષ પરંપરા આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે. જે આજના દિવસે પણ જળવાયેલી જોવા મળે છે. દિવાળીના દિવસે મહાલક્ષ્મીને સફેદ કમળ પુષ્પ અર્પણ કરવાની સાથે લાલ કમળ પુષ્પનો પણ ખૂબ વધારે મહિમા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. મહાલક્ષ્મીને લાલ રંગ અતિપ્રિય હોવાને કારણે પણ તેમને લાલ કમળ પુષ્પ અર્પણ કરવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા જે તે સાધક પર ઉતરતી હોય છે.
મહાલક્ષ્મીનું એક નામ કમલા પણ
સનાતન ધર્મમાં મહાલક્ષ્મીને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જે પૈકી તેમનું એક નામ કમલા પણ છે, જે કમળ સાથે સીધો સંબંધ ધરાવે છે. કમળ સ્વરૂપે મહાલક્ષ્મીનો કમળના પુષ્પમાં વાસ હોવાની પણ એક ધાર્મિક માન્યતા છે. જેથી પણ મહાલક્ષ્મીને દિવાળીના દિવસે કમળ પુષ્પ અર્પણ કરવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે. કમળ કાદવમાં ખીલતું હોવા છતાં પણ તમામ દુર્ગુણોથી પર જોવા મળે છે. વધુમાં કમળને એકદમ કોમળ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જેથી તે દોષ રહીત હોવાનું પણ મનાય છે. મહાલક્ષ્મીને દિવાળીના દિવસે લાલ કે સફેદ કલરનું કમળ પુષ્પ અર્પણ કરીને માતાજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવે તો મહાલક્ષ્મી ધન ધાન્યની વૃદ્ધિ સાથે આવક વધારે છે તેવી ધાર્મિક પરંપરા અને માન્યતાને કારણે પણ આજે દિવાળીના દિવસે મહાલક્ષ્મીને લાલ અને સફેદ કમળ પુષ્પ અર્પણ કરવામાં આવે છે.