વલસાડ: ઇ.સ 1953ના સમયમાં જ્યારે વલસાડ જિલ્લો મુંબઈ રાજ્યના કબજામાં આવતો હતો અને તે સમયે મુંબઈના જમીનદારો વલસાડ જિલ્લામાં ઘાસિયા જમીન ધરાવતા હતા. ત્યારે અહીં ઉગતું ઘાસ આદિવાસી લોકો પાસે કપાવી મુંબઈ બજારમાં વેચી તગડી કમાણી કરતા હતા. કાપણી સમયે સામાન્ય મજૂરી આપીને આદિવાસીઓ પાસે કામ કરાવતા હતા આ સમગ્ર બાબતને લઈને આદિવાસી લોકો માટે ઘાસિયા જમીન ઉપર ખેતી કરવા જમીન ની માંગ સાથે ખેડ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.
![વલસાડમાં ઇ.સ.1953માં થયેલ ઘાસિયા ખેડ સત્યાગ્રહની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2024/gj-vld-01-khedstyagrahpardi-avb-gj10047_02092024154619_0209f_1725272179_945.png)
સત્યાગ્રહ 14 વર્ષ સુધી ચાલ્યો: આ સત્યાગ્રહ 14 વર્ષ સુધી ચાલ્યો હતો. જેની આગેવાની સ્વ ઈશ્વર દેસાઈ ,સ્વ ઉત્તમ પટેલ, અતુલ દેસાઈ જયંતી દલાલ, હુકુમત રાય અશોક મહેતા જેવા લોકોએ કરી હતી. તે સમયે 14 હજાર એકર જેટલી ઘાસિયા જમીન ખેડૂતોને ગણોત ધારા મુજબ સ્વર્ગીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હસ્તે સનદ આપવામાં આવી હતી. જે બાદ આ સત્યાગ્રહ પૂર્ણ થયો હતો. જેની યાદમાં આજે પણ 1 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન થાય છે. આ વર્ષે પણ આ આયોજન કરાયું હતું.
![વલસાડમાં ઇ.સ.1953માં થયેલ ઘાસિયા ખેડ સત્યાગ્રહની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2024/gj-vld-01-khedstyagrahpardi-avb-gj10047_02092024154619_0209f_1725272179_435.png)
જમીનદારો આદીવાસીઓ પાસે ઘાસ કપાવતા: સને 1953માં જ્યારે મુંબઈ રાજ્ય હતું ત્યારે ગુજરાતનો સુરત જિલ્લો હતો ત્યારે તેની તમામ વહીવટી કામગીરી મુંબઈથી થતી હતી. એ સમયે મુંબઈના મોટાભાગના જમીનદારોની ઘાસિયા જમીન વલસાડ જિલ્લામાં હતી. જેમાં માત્ર ઘાસ ઉગાડવામાં આવતું હતું અને ઉનાળાના સમયમાં આ ઘાસને કાપી જમીનદારો મુંબઈ લઈ જઈને તગડી કમાણી કરતા હતા અને ઘાસ કપાવા માટે આદિવાસી લોકોને નજીવી કિંમત આપતા હતા.
ડુમલાવ ગામ ખેડ સત્યાગ્રહ માટે મુખ્યમથક: આ સમગ્ર બાબતનું ધ્યાન અહીંના તે સમયના અગ્રણીને ધ્યાનમાં આવતા ખેડ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. આદિવાસીઓને ખેતી કરવા માટે જમીન મળે તેવી માંગ કરાઈ હતી. જેનો પ્રથમ પાયો વલસાડ જિલ્લાના હાલના પારડી તાલુકાના ડુમલાવ ગામથી કરવામાં આવ્યો હતો. જ્યાં 3000 એકરમાં 1,050 જેટલા આદિવાસીઓ ઘૂસી જાય ખેતર ખેડવાનું શરૂ કરી દીધું હતું. જેને પગલે આ સત્યાગ્રહનો પ્રારંભથી થયો હતો. અને 95 જેટલી મહિલા આદિવાસી સ્ત્રીઓની સત્યાગ્રહને પગલે ધરપકડ કરાઈ હતી. જેથી આ સત્યાગ્રહ વધુ ઉગ્ર બન્યો હતો.
સત્યાગ્રહના સમયે રચાયેલું ગીત સૌના મોઢે હતું: 95 જેટલી આદિવાસી મહિલાઓની ધરપકડ બાદ આ સત્યાગ્રહ વધુ ઉગ્ર બન્યો હતો અને આદિવાસીઓ દ્વારા જમીનદારનું ઘાસ કાપવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. ઘાસિયા જમીનમાં કઠોળ ઉગાવીશું પણ નમતું નહીં જોખીશું તેવો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તે સમયે આદિવાસી નેતા છોટુભાઈ દ્વારા રચવામાં આવેલું ગીત જિલ્લાના તમામ ગામોમાં ગુંજતું થયું હતું
"હારે અમે ધરતી ના ખેડૂત જાગ્યા,
ખેડે તેની ભોંય થાસે..
હારે અમે જુગ જુગ થી પામ્યા અન્યાય,
ન્યાય કેરા રાજ થાસે".
18000 એકર જમીન છોડવાની માંગ: વલસાડ જિલ્લામાં ઘાસિયા જમીનદારો પાસે 18000 એકર જેટલી જમીન છોડવાની માંગ તે સમયે સત્યાગ્રહ દ્વારા કરવામાં આવી હતી. આ સત્યાગ્રહ 14 વર્ષ સુધી ચાલ્યો હતો. જેમાં લાઠીચાર્જ ધરપકડ તેમજ અનેક લોકો ઘવાયા પણ હતા પરંતુ મક્કમતાપૂર્વક ચાલેલી આ લડાઈ બાદ આદિવાસી સમાજને 14 હજાર એકર જેટલી જમીન ગણોત ધારા મુજબ આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય બન્યા બાદ અનાજ ઉગાડવા નિર્ણય: ઇ.સ 1967 બાદ ગુજરાત રાજ્ય બન્યું તે બાદ ચાલી રહેલા ખેડ સત્યાગ્રહને જોતા આખરે 5 જુલાઈ 1967ના રોજ ઘાસિયા મેદાનમાં અનાજ ઉગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભૂમિહીન આદિવાસીઓને જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણય આજે પણ હજુ સંપૂર્ણપણે પૂર્ણ થયો ન હોવાનું જણાઇ આવે છે.
ઘાસ કાપવા રાજસ્થાનથી મજૂરો બોલાવ્યા: સત્યાગ્રહના સમયે અનેક આદિવાસી સમાજના લોકો જે ઘાસિયા જમીનમાં ઘાસ કાપીને મજૂરી કામ કરતા હતા. તેમણે સત્યાગ્રહને પગલે કામગીરી બંધ કરી દેતા મુંબઈના જમીનદારોએ કોન્ટ્રાક્ટર દ્વારા રાજસ્થાનથી મજૂરો મંગાવ્યા હતા. પરંતુ સ્થાનિક આદિવાસી સમાજના લોકોએ કેમ સત્યાગ્રહ કરવામાં આવ્યો છે અને તેઓ કેમ કામ નથી કરતા એ તમામ વિગત મજૂરોને સમજાવ્યા બાદ રાજસ્થાનના મજૂરો પણ કામ કરવાની ના પાડી પરત થઈ ગયા હતા.
ડુમલાવ તાડકેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમ યોજાયો: 71 મી ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન ડુંમલાવ ગામે આવેલા તાડકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આયોજન કરાયું હતું. જ્યાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, માજી સાંસદ તેમજ ધારાસભ્ય સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા. જ્યાં ખેડૂતના હિત અંગેની વાતો કરવામાં આવી હતી. આ સાથે જ આદિવાસી સમાજને અમૂલ્ય એવી જમીન સાચવી રાખવા માટે હાકલ કરવામાં આવી હતી. ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વ.ઈશ્વરભાઈ પટેલ અને સ્વ.ઉત્તમભાઈ પટેલને યાદ કરી તેમના દ્વારા આદિવાસી સમાજ માટે જેલવાસ સહિત જે સત્યાગ્રહ કરી જમીન અપાવવામાં આવી ને મુખ્ય ફાળો રહ્યો. તે અંગેની યાદ તાજી કરવામાં આવી હતી.
ખેડૂતો માટે વિશેષ ડ્રો કરાયો: ડુમલાવ ખાતે તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત ખેડ સત્યાગ્રહ રેલીમાં ઉપસ્થિત રહેલા અગ્રણીઓના હસ્તે ખેડૂતોને ખેતીને લગતા ઔજારો ડ્રોના માધ્યમથી વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રાસ કટર મશીન, દાતરડા, ઈલેક્ટ્રીક મશીન, દવા છંટકાવ પંપ, પાણીની મોટર સહિતની ચીજો ખેડૂતો આપવામાં આવી હતી. આ વલસાડ જિલ્લામાં 71 વર્ષ પૂર્ણ થયા બાદ પણ ઘાસિયા જમીનના ખેડ સત્યાગ્રહનો દર 1 સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવે છે અને ખેડ સત્યાગ્રહમાં ભાગ લેનારા અગ્રણીઓને આજે પણ યાદ કરવામાં આવે છે.
આ પણ વાંચો: