સુરતઃ તા.12થી તા.16 મે દરમિયાન રાજયના ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, સુરત જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહી અનુસાર ગઈકાલે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રાતથી લઈ વહેલી સવાર સુધી ફાયર ડિપાર્ટમેન્ટને વૃક્ષો ધરાશાયી થવાના 18 કોલ મળ્યા હતા. આખી રાત ફાયર ડિપાર્ટમેન્ટે ઝાડ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી.
ફાયર ડિપાર્ટમેન્ટ એલર્ટ મોડ પરઃ હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં ફાયર વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. રેગ્યુલર ડિપાર્ટમેન્ટ ઉપરાંત એક એક્સ્ટ્રા કંટ્રોલરૂમ પણ શરુ કરવામાં આવ્યો છે. જેથી ઈમરજન્સી કોલમાં તાત્કાલિક રીસ્પોન્સ કરી શકાય. દુર્ઘટનાસ્થળે યોગ્ય મદદ પણ રવાના કરી શકાય.
હવામાન વિભાગની આજની આગાહીઃ હવામાન વિભાગ અનુસાર આજે અને આગામી 3થી 4 દિવસ સમગ્ર રાજ્યમાં મધ્યમ વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ સંદર્ભે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. આવતીકાલે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, મોરબી, જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવન સાથે વીજળીના કડાકા અને મધ્યમ વરસાદ પણ પડવાની સંભાવના છે.
આગામી 3 દિવસ કમોસમી વરસાદ અને પવન ફુંકાવાની આગાહી છે. આ આગાહી સંદર્ભે ફાયર ડિપાર્ટમેન્ટ એલર્ટ મોડ પરમાં આવી ગયું છે. સતત 24 કલાક એલર્ટ રહેતા ફાયર ડિપાર્ટમેન્ટે હવામાન વિભાગની આગાહી સંદર્ભે ઈમરજન્સી કંટ્રોલરૂમ પણ શરુ કરી દીધો છે. ગઈકાલ રાતથી સવાર સુધી ઝાડ પડવાના 18 જેટલા કોલ પણ ફાયર વિભાગને મળ્યા છે. હાલ બહારથી ટીમ બોલાવવી પડે તેવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી...દિપલ સ્કપાલ(કંટ્રોલરુમ અધિકારી, સુરત)