રાજકોટ: નવનિર્મિત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પહેલા જ વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી નાંખી હતી. ગત રવિવારે હંગામી ધોરણે તૈયાર કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગ પાસેના પિકઅપ અને ડ્રોપ પોઇન્ટ પરનું ભારે વરસાદને કારણે જર્મની ડોમ તૂટી ગયો હતો. હજુ એક વર્ષ પણ પૂરું નથી થયું તે પહેલાં જ 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટ પર અસુવિધાઓની લીધે કારણે મુસાફરો પરેશાન થઇ રહ્યા છે.
અમદાવાદથી હવાઇ મુસાફરી કરવા મજબુર: એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે લોકો હવે ફરીથી રાજકોટને બદલે અમદાવાદથી હવાઇ મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સંપૂર્ણ એરપોર્ટ તૈયાર થયું ન હોવા છતાં ઉતાવળે ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોય બીજી વખત જર્મન ડોમ તૂટી ગયાની ઘટના બની છે.
11 પ્રશ્નોના જવાબની માંગણી કરી: આ ઘટના બાદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, ગોપાલ અનડકટ, મેઘજી રાઠોડ સહિતનાઓએ નિદ્રાધીન અને બેદરકાર એરપોર્ટ ઓથોરિટી તંત્રને જગાડવા સોમવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બહોરાને નબળા બાંધકામ તેમજ બે-બે વખત જર્મન ડોમ તૂટી પડ્યા બાદ ક્યા ક્યા જવાબદારો સામે પગલાં લેવાયા તે અંગે ઉગ્ર રજૂઆત કરી 11 પ્રશ્નનો લેખિતમાં જવાબ આપવા માગણી કરી છે.
કોંગ્રેસના 11 પ્રશ્નો
- જર્મન ડોમ તૂટી પડવાની ઘટના કેટલી વખત બની છે ?
- એરપોર્ટનું BUP, ફાયર NOC છે કે નહિ ?
- એરપોર્ટ ડિરેક્ટર બહોરા મુસાફરોના ફોન કેમ નથી ઉપાડતા ?
- ચોમાસામાં દુર્ઘટના સર્જાય તો તંત્રની શું તૈયારી છે?
- એરપોર્ટમાં જરૂરી સુવિધાઓ શા માટે નથી ?
- નબળું બાંધકામ કરનાર એજન્સી સામે પગલાં લેવાયા?
- એરપોર્ટનો પ્રિ-મોન્સૂન પ્લાન શું છે?
- એરપોર્ટના ટોઇલેટ, વોશ બેસિનમાં વારંવાર પાણી કેમ બંધ થઇ જાય છે.?
- જર્મન ડોમ તૂટી પડવાની ઘટનામાં કોની સામે શું પગલાં લીધા?
- પરેશાની અંગે મુસાફરોને જનરલ મેનેજર શા માટે ઉડાઉ જવાબ આપે છે?
- મુસાફરોની સલામતી માટેની એડવાઇઝરીનું પાલન થાય છે કે કેમ?