સુરત: સુરતના ભટાર વિસ્તારમાં આવેલા હળપતિ વાસમાં રહેતી 23 વર્ષીય યુવતી તમન્ના રામુભાઈ ચૌધરીનું ભણતર અને ભવિષ્ય માટે અનોખો જુસ્સો જોવા મળ્યો છે. લગ્નના દિવસે પીઠી લગાવી દીકરી યુનિવર્સિટીના ફાઈન આર્ટ ડિપાર્ટમેન્ટમાં પરીક્ષા આપવા પહોંચી હતી. જ્યાં પરીક્ષા વર્ગખંડમાં દીકરીએ એન્ટ્રી કરતા જ તમામ લોકો જોતા રહી ગયા હતા. જો કે દીકરી પીઠીના વેસમાં પીઠીથી રંગાયેલી હતી પરંતુ જયારે ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ, પ્રોફેસર અને વિદ્યાર્થીઓને ખબર પડી હતી કે, આ વિદ્યાર્થીનીના આજે લગ્ન છે ત્યારે પરીક્ષા આપ્યા બાદ દીકરીને લગ્નની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
લગ્નની વિધિઓ બાદ મોડી રાત સુધી પરીક્ષાની તૈયારીઓ કરતી: ઉલ્લેખનીય છે કે, જયારે ઘરમાં લગ્નનું વાતાવરણ હોય છે ત્યારે બધા જ કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે ત્યારે આવા વ્યસ્ત કામમાં સમય કાઢી આ દીકરીએ પોતાનું ભણતર ન બગડે તે માટે તેણે પોતાના તમામ લગ્નની વિધિઓ સંગીત સંધ્યા બાદ તેણે અભ્યાસના એકઝામનું મોડી રાત સુધી રીવીઝન કર્યું હતું. આજે સવારે 11:00 વાગે તે યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી. તેમના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. પિતા ખેડૂત વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને નાનો ભાઈ જે હાલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.
પીઠીના કપડા પહેરી દુલ્હન પરીક્ષા આપવા પહોંચી: આ બાબતે વિદ્યાર્થીની દુલ્હન તમન્ના રામુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે મારાં લગ્ન છે અને બીજીબાજુ આજે મારી યુનિવર્સિટીમાં ફાઈન આર્ટની ગેલેરીમાં પરીક્ષા પણ હતી. જે પેહલા સેમેસ્ટરની હતી. જે પરીક્ષા આપીને હું આવી છું. જ્યાં હું પરીક્ષા આપવા ગઈ હતી ત્યારે બધા મને જોઈને ચોકી ગયા હતા. પરીક્ષા પત્યા બાદ બધાને ખબર પડી કે, આજે મારાં લગ્ન છે ત્યારે બધાએ મને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.'
વધુમાં વિદ્યાર્થીનીએ કહ્યું કે 'મારા લગ્નની તારીખ છ મહિના પહેલા તારીખ નક્કી થઈ ગઈ હતી પરંતુ આ ઉપરાંત મને ખબર ન હતી એના સમયગાળા દરમિયાન જ મારી અભ્યાસની પરીક્ષા આવશે. રાતે બે વાગ્યા સુધી અમારા લગ્નનું ગીત સંધ્યા ચાલ્યું અને ત્યારબાદ મેં આજની પરીક્ષાનો અભ્યાસ કર્યો હતો. પરંતુ મને મારા પરિવાર અને સાસરી પક્ષ તરફથી પણ અભ્યાસને લઈને ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો છે. તેઓએ પણ કહ્યું કે લગ્ન પછી પણ તારે અભ્યાસ કરવું હોય તો કરજે અને પરીક્ષા આપીને આવજે.'
આ પણ વાંચો: