જૂનાગઢઃ આજે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય અને ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પૈકી 5 બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 7મી મેના દિવસે જૂનાગઢ લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર મતદાન હાથ ધરાશે પરંતુ વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની નથી.
કાયદાકીય ગૂંચવણઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરી છે પરંતુ વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીની જાહેરાત કરવાનું ટાળ્યું છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કેટલાક કાયદાકીય ગુંચવણ અને રાજ્યની વડી અદાલતમાં ચાલી રહેલા એક કેસને લીધે જાહેર ન થઈ હોવાનું મતદારો અને નેતાઓ અનુમાન લગાડી રહ્યા છે.
હાઈકોર્ટમાં ચાલી રહેલો કેસઃ વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપના હર્ષદ રીબડીયા, કૉંગ્રેસના કરશનભાઈ વાડદોરીયા અને આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારને પરાજિત કરીને આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ પરાજીત થયેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ ભુપત ભાયાણીની જીતને રાજ્યની વડી અદાલતમાં પડકારી હતી. તેમની જીતને અમાન્ય ઠેરવવામાં આવે તેવી માંગ કરતી રીટ દાખલ કરી હતી. જે આજે પણ રાજ્યની વડી અદાલતમાં વિચારાધીન છે. જેને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી કરવામાં આવી તેવો તર્ક લગાવવામાં આવે છે.
લોકસભા ચૂંટણી બાદ યોજાઈ શકે છે પેટા ચૂંટણીઃ આજે ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેથી એવું માનવામાં આવે છે કે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હાલ યોજાશે નહીં પરંતુ આગામી દિવસોમાં એવી પણ શક્યતાઓ છે કે વડી અદાલતમાં ચાલી રહેલા કેસની વિગતો રાજ્યનું ચૂંટણી પંચ ભારતના ચૂંટણી આયોગને મોકલે. રાજ્યની વડી અદાલતમાં ચાલી રહેલો કેસ રદ બાતલ થઈ શકે છે તેવી પરિસ્થિતિમાં ચૂંટણી પંચ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ફરીથી જાહેર કરી શકે છે. જો આ મુજબની એક પણ સ્થિતિનું નિર્માણ ન થાય તો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફરી એક વખત ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી પડશે.