દેવભૂમિ દ્વારકા: છેલ્લાં કેટલાંક સમયથી લોકોની આસ્થા સાથે રમત રમનારા ઢોંગી બાવાઓનો રાફડો ફાટ્યો છે, સમય-સમય પર આવા ઢોંગી બાબાઓ ઝડપાતા રહે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ આવા ઢોંગી અને લેભાગું બાબાઓ ઝડપાયા છે. વિજ્ઞાન જાથા અને કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફે કલ્યાણપુર પાસે આવલે ગુરૂગઢ ગામની સીમમા આવેલી જલાલશા પીરની દરગાહમાં છેલ્લાં 20 થી 25 વર્ષથી ઢોંગી બાબા દ્વારા ચલાવાતી ધતિંગલીલાનો પર્દાફાશ કર્યો છે. આ અંગે વિજ્ઞાન જાથાને જાણ થતાં તેઓએ આ સમગ્ર કામગીરી કરી હતી. આ દરગાહમાં હાજીબાપુ સદરબાપુ અને બસીરબાપુ બંને દર શુક્રવારે જોવાનો વારો રાખતા હતા, જેના દ્વારા તેઓ લોકો પાસે 10 હજારથી 50 હજાર સુધીની ૨કમ પણ પડાવી લેતા.
રોગ મટાડવા મંત્રવાળું પાણી આપતા: એટલું જ નહીં બંને ઢોંગીઓ લોકોને ડાયાબિટીસ, પથરી, અસાધ્ય રોગ મટાડવા માટે પાણીની બોટલમાં મંત્ર બોલીને આપતા અને આમ માનવ જીંદગી સાથે ખિલવાડ કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે .બંને બાબાઓ પાસે મેડીકલ લાયસન્સ હતું નહીં અને બોટલોમાં ભભૂતી નાખી મંત્રેલી પાણીની બોટલ આપતા જેનાથી લોકોને સારું થઈ જશે તેવું જણાવતા આ બંને શખ્સ દાન પેટીની બાજુમાં બેસી દુઃખી લોકોના ઉપચાર કરતા અને લાલ-લીલો દોરો આપી છેતરપિંડી આચરતા.
વિજ્ઞાન જાથાની અપીલ: આ દરગાહમાં બાપુ પીડિતોને તાવીજ, દોરા-ધાગા, જુવારના દાણા આપી બંને બાપુ ઉપચાર કરી રૂપિયા પડાવતા હોવાની વિગતો સામે આવી છે. જલાલશા પીરની દરગાહમાં બંને બાપુના ગોરખધંધા આખરે વિજ્ઞાન જાથાએ બંધ કરાવ્યા છે. હાજીબાપુ અને બસીરબાપુની પાખંડલીલા કાયમી બંધ થતાં ઘણા લોકો આ બાપુઓની અંધશ્રદ્ધાની માયાજાળ થી બચી શકશે. આ મામલે પીડિત લોકો ફરિયાદ કરવા આગળ આવે તેવી વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે.
એક બાબા ખુદ ડાયાબિટીસનો દર્દી: પોલીસની ગિરફ્તમાં આવેલા ઢોંગી બાબાઓએ આજ પછી ક્યારેય દોરા ધાગા તેમજ મંત્રેલા પાણી નહિ આપે અને અંધ શ્રદ્ધા નહિ ફેલાવે તેવી ખાતરી પણ આપી હતી. આ વિસ્તારમાં લોકો બહોળી સંખ્યામાં આ દરગાહે દુઃખ દૂર કરવા આવતા હોઈ આ લોકો એમનો ફાયદો ઉઠાવી અંધ શ્રઘ્ધાના નામે રૂપિયા ખંખેરતા હતા. ખુદ બસીર બાપુ ડાયાબિટીસના દર્દી હતા અને પોતે હોસ્પિટલની દવા લેતા પણ બાપુ દરગાહમાં મંત્રેલ પાણીથી રોગો દૂર કરવાની વાતો કરતા અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા. ત્યારે આજે વિજ્ઞાન જાથાએ આજે ગુરૂ ગઢ દરગાહે જઈ આ ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો છે અને લોકોને પણ આવી અંધશ્રદ્ધામાં ના આવવા અપીલ કરી છે.