રાજકોટ: જિલ્લાના વાંકાનેરમાં રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરતા ઘરમાંથી અલગ અલગ દરની 71 હજારની કિમતની નકલી નોટ મળી આવતા પોલીસે બે મહિલાઓ સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધ્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને કસુરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા ફટકારી છે. જયારે બે મહિલાઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કુલ રૂપિયા 71,000ની નકલી નોટ મળી આવી: કેસની મળતી વિગતો મુજબ સલમાબેન અબ્દુલભાઈ દલપોત્રાની જામનગર પોલીસે અટક કરી હતી. જેના મકાન ચેક કરતા તપાસ કરવા માટે 11 સપ્ટેમ્બર 2012 ના રોજ જામનગર એલસીબી ટીમ વાંકાનેર આવી હતી. વાંકાનેરના ગઢની રાંગ નજીક મકાન ખાતે તપાસ કરતા આરોપી અબ્દુલ પાસે રહેલ પર્સમાંથી રૂપિયા 1000 ના દરની નકલી નોટના 14 નંગ, આરોપી અંજુમન આરાબીબી યાશીન શેખના મકાનમાં રૂપિયા 1000 ના દરની નકલી નોટ નંગ 7, અને આરોપી સલમાબેનના મકાનમાં રૂમમાં રૂપિયા 1000 ના દરની નકલી નોટ નંગ 50 સહિત કુલ નકલી નોટ નંગ 71 મળી કુલ રૂપિયા 71,000ની નકલી નોટ મળી આવેલ હતા. આ સાથે જ રોકડા રૂપિયા રૂપિયા 4.78 લાખ, નકલી નોટ બજારમાં વટાવી ખરીદ કરેલ સામાન કુલ કીમત રૂપિયા 15 હજાર અને સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂપિયા 7.77 લાખનો મુદામાલ કબજે લઈને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.
બે મહિલા આરોપીને શંકાના અંતર્ગત છોડી મુકવાનો આદેશ: આ કેસ એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટ, મોરબીમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની, મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીઆ અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કોર્ટમાં ફરિયાદ પક્ષે 24 મૌખિક અને 47 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જયારે બચાવ પક્ષે 1 મૌખિક અને 1 દસ્તાવેજી પુરાવો રજુ કરાયો હતો. જેને ધ્યામાં રાખી કોર્ટે આરોપી અબ્દુલ જમાલભાઈ દલપોત્રાને કસુરવાન ઠેરવ્યો હતો. જયારે સલમાબેન જમાલભાઈ દલપોત્રા અને અંજુમન આરાબીબી યાશીનઅલી વાજીદઅલી શેખ એમ બે મહિલા આરોપીને શંકાના અંતર્ગત છોડી મુકવાનો આદેશ કર્યો છે.
કઈ કલમ હેઠળ સજા થશે: કોર્ટે આરોપી અબ્દુલ જમાલ દલ્પોત્રાને આઈપીસી કલમ 489 (બી) મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 1 લાખ દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 30 માસની કેદની સજા તેમજ આઈપીસી કલમ 489 (સી) મુજબના ગુનામાં 7 વર્ષની કેદની સજા અને રૂપિયા 70 હજાર દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 18 માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.