કચ્છ: ગણેશચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં હવે ગણેશ શણગાર સહિતની વસ્તુઓની ખરીદીની માંગ વધી છે. તો ખાસ કરીને લોકો હવે ઘરમાં પણ ગણેશજીને આમંત્રણ આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આમ તો સામાન્ય રીતે પરિવારજનો જ મૂર્તિનો શણગાર કરી લેતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા પણ હોમ ગણેશ સેટઅપ ભાડે અથવા તો વેચાણ કરવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. જેમાં વિવિધ સાઈઝના સેટઅપ જેમાં વિવિધ ડેકોરેશન સામગ્રી પણ ભાડે અથવા વેચાણથી આપવામાં આવે છે. જે ખૂબ આકર્ષિત પણ લાગતી હોય છે.
કોરોનાકાળ બાદ ગણેશ સ્થાપનનો ટ્રેન્ડ વધ્યો: કોરોના કાળ દરમિયાન મોટા મોટા ગણેશ પંડાલોની સ્થાપના અને ઉજવણી કરવાની વર્ષો જૂની પરંપરા પર સરકારે લોકડાઉન નાખીને લોકો એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આ કોરોના કાળ દરમિયાન લોકો પોતાના ઘરે ગણેશજીને સ્થાપિત કરીને પૂજા અર્ચના કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આમ તો સામાન્ય રીતે મહારાષ્ટ્ર વિસ્તારમાં ગણેશજીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે હવે ગુજરાતમાં પણ લોકો પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા 2 વર્ષોમાં હોમ ગણેશા સેટઅપનો ટ્રેન્ડ: લોકો પોતાના ઘરે અને ઓફિસમાં ગણેશજીની નાની મૂર્તિઓ સ્થાપિત કરી અને જાતે જ ગણેશજીના શણગાર કરી લેતા હોય છે પરંતુ તેમની સ્થાપના જ્યાં થાય છે તે સ્થાનને એટલે કે પંડાલને હવે ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા પણ હોમ ગણેશા સેટઅપ ભાડે અથવા તો વેચાણ કરીને ડેકોરેટ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ ટ્રેન્ડ વધી રહ્યા હોવાની વાત ઇવેન્ટ મેનેજમેન્ટના સંચાલકોએ કરી હતી.
1 ફૂટ થી 3 ફૂટ સુધીના ગણેશજીની મૂર્તિ માટે સેટઅપ: છેલ્લા 4 વર્ષથી ઇવેન્ટ તડકા નામથી ઇમેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી બંને બહેનો રુચિ મહેતા અને પ્રાચી મહેતાએ જણાવ્યું હતું કે, 1 ફૂટથી લઈને 3 ફૂટની મૂર્તિઓ માટેના રેડીમેડ ગણેશ સ્થાપન સેટઅપ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ફેબ્રિકેશનની ફ્રેમ, થર્મોકોલ, આર્ટિફિશિયલ ફ્લાવર અને લટકણીયા સહિતની સામગ્રીથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ બધા સેટઅપ રેન્ટલ અને વેંચાણથી આપવામાં આવી રહ્યા છે. તો આ સેટઅપ લોકો ઘરે જાતે પોતાની રીતે ઉભુ કરી શકે છે તેમજ તેને છૂટું પણ કરી શકે છે.
1500થી 7000 રૂપિયા સુધીમાં સેટઅપ: હોમ ગણેશા સેટઅપનું ભાડું 1500 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધીનું છે તેમજ વેંચાણ 3000થી 7000 રૂપિયા સુધીનું છે. સેટઅપ રેન્ટ પર આપવામાં આવે છે. તે 1 દિવસથી 10 દિવસ સુધી ભાડા પર આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ ગણેશજીના પંડાલ ડેકોરેશન કરતી હોય છે પરંતુ આજકાલ સમયના બચાવ માટે લોકો હવે આવા સેટઅપ રેન્ટ અથવા તો વેચાણથી લઈ રહ્યા છે અને ખૂબ માંગ પણ કરી રહ્યા છે 70થી 80 ટકા જેટલા સેટઅપનું બુકિંગ પણ થઈ ગયું છે.
દરેક દાયકામાં નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે: છેલ્લાં 5 વર્ષથી ડ્રીમ ક્રાફટરથી કચ્છ અને રાજકોટમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતી મૈત્રી પરમારે જણાવ્યું હતું કે,આમ તો દરેક દાયકામાં નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. તો કોરોના કાળ બાદ લોકો ધાર્મિક પ્રવુતિઓ તરફ વધુ વળ્યા છે. દરેક તહેવાર પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ઘરે ઉજવવામાં વધારે માની રહ્યાં છે ત્યારે ઘરે ગણેશ સ્થાપના માટેના સેટઅપ ભાડે અને વેચાણથી બુક કરાવી રહ્યા છે.
કસ્ટમાઈઝ ડેકોરેશન: ગણેશજીની 1 ફૂટ થી 6 ફૂટ સુધીની મૂર્તિના ડેકોરેશન સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સેટઅપ ભાડે તો આપવામાં આવે જ છે સાથે સાથે લોકો પોતાની મરજી મુજબ પણ ડેકોરેશન કરાવતા હોય છે અને કસ્ટમાઈઝ ડેકોરેશન પણ કરી આપવામાં આવતું હોય છે. તો આર્ટિફિશિયલ ફુલની સાથે સાચા ફૂલોનું ડેકોરેશન પણ લોકો કરાવતા હોય છે. તેમજ ગણેશ મહોત્સવ ઉજવણી કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો