દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં CBI દ્વારા ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે, અને આ કેસમાં વચગાળાના જામીન મેળવવાની અરજી કરી છે.
આમ AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ થોડા દિવસ જેલમાં રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડના CBI કેસમાં તેમની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
સિંઘવીએ કેજરીવાલ માટે કોર્ટમાં આ દલીલો રજૂ કરી:
- આ પોતાનામાં એક અનોખો કિસ્સો છે. PMLAના કડક નિયમો હોવા છતાં કેજરીવાલને બે વખત જામીન મળ્યા હતા. આવી સ્થિતિમાં CBI કેસમાં જામીન કેમ ન આપી શકાય?
- CBIએ પોતાની દલીલમાં કહ્યું છે કે, કેજરીવાલ સહકાર નથી આપી રહ્યા. જ્યારે, કોર્ટે પોતે આદેશમાં કહ્યું છે કે એવી અપેક્ષા રાખી શકાય નહીં કે આરોપી પોતાને દોષિત જાહેર કરશે.
- કોર્ટે માત્ર એ જોવું જોઈએ કે શું કેજરીવાલને દેશ છોડીને ભાગી જવાનો ખતરો છે? શું તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે? શું તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે?
- કેજરીવાલ બંધારણીય પદ પર છે. તેના ભાગી જવાની કોઈ શક્યતા નથી. પુરાવા સાથે છેડછાડ કરી શકાય નહીં, કારણ કે લાખો દસ્તાવેજો અને 5 ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પણ કોઈ ભય નથી. જામીન માટેની ત્રણ આવશ્યક શરતો અમારી તરફેણમાં છે.
- જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે ખુદ મનીષ સિસોદિયાને જામીન આપતાં કહ્યું હતું.
સીબીઆઈ વતી એએસજી રાજુએ જામીન ન આપવાની તરફેણમાં દલીલો રજૂ કરી:
- અમને આ અરજી સામે વાંધો છે. જામીન અને ધરપકડની ચર્ચા મિશ્રિત થઈ છે. મનીષ સિસોદિયા, કે. કવિતા પહેલા ટ્રાયલ કોર્ટમાં જામીન માટે ગઈ હતી. કેજરીવાલ સાપ અને સીડીની રમત જેવા શોર્ટકટ અપનાવી રહ્યા છે.
- તેમને લાગે છે કે તેઓ અસાધારણ લોકો છે, જેમના માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટ ધરપકડની સુનાવણી કરનારી પ્રથમ કોર્ટ ન હોવી જોઈએ. તેઓએ ટ્રાયલ કોર્ટમાં જવું જોઈએ.
- તેઓ ધરપકડ પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેમણે કાયદાને ધ્યાનથી વાંચવો જોઈએ. ધરપકડ એ તપાસનો એક ભાગ છે. જો તપાસ કરવાની સત્તા છે તો ધરપકડ કરવાની પણ સત્તા છે.
- અમને સ્પેશિયલ કોર્ટમાંથી પરવાનગી મળી હતી, વોરંટ જારી કરવામાં આવ્યું અને ત્યારબાદ અમે ધરપકડ કરી. જ્યારે પ્રક્રિયા અનુસરવામાં આવે છે, ત્યારે મૂળભૂત અધિકારો લાગુ થતા નથી.
- કેજરીવાલ પહેલાથી જ કસ્ટડીમાં હતા, તેથી CBIએ તેમને કોઈ નોટિસ મોકલી ન હતી.