વલસાડ: વલસાડ જિલ્લાના ડુંગરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક સગીરા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડુંગરી વિસ્તારમાં રહેતી સગીરા ટ્યુશન કલાસમાં અભ્યાસ કરે છે. જે ટ્યુશન કલાસના સહપાઠી સાથે દરિયે ફરવા ગયા હતા ત્યાં દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી લઈ સંબંધ રાખવા બ્લેકમેલ કરતો હતો. સગીરાએ વાતચીત બંધ કરતા તેણે વીડિયો વાઇરલ કરી દીધો, જે બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓનું ગ્રુપ ફરવા ગયું હતું
જુલાઈ મહિનામાં ટ્યુશન કલાસના વિદ્યાર્થીઓ સામૂહિક રીતે દાંડી દરિયા કિનારે ફરવા ગયા હતા. આ દરમિયાન સગીરાના એક સહપાઠીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો હતો. આરોપીએ આ વીડિયોનો દુરુપયોગ કરીને સગીરા પર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું.
સગીરાને ફરી સંબંધ ન રાખવા વિડીયો વાઇરલ કર્યો
સગીરાએ આરોપીની માગણીઓને નકારી કાઢતા, આરોપીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ ઘટનાની જાણ સગીરાની બહેનને થતાં તેણે તરત જ ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે આ કેસમાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (છેડતી), 506 (ધમકી) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાને લઈને સ્થાનિક આગેવાનોમાં રોષ
સ્થાનિક સમાજના આગેવાનોએ આ ઘટનાની ઘોર નિંદા કરી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, આ કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને આરોપીને કડક સજા થાય તે માટે તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા વિશેષ જાગૃતતા અભિયાન
શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે માહિતગાર કરવામાં આવશે. હાલમાં પણ અનેક સ્કૂલોમાં સમયાંતરે પોલીસ દ્વારા સાઇબરને લાગતા ગુનાઓ અને સોશિયલ મીડિયા અંગે જાણકારી આપવામાં આવી પણ રહી છે.
ટ્યુશન કલાસ માં મિત્રતા બંધાઈ
સગીરાને ટ્યુશન ક્લાસમાં જતા અન્ય સહપાઠીઓ સાથે મિત્રતા કેળવાઈ હતી. અને આ મિત્રતા બાદ સગીર વિદ્યાર્થીએ નોટબુકની આપ-લે કર્યા બાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. અને તે બાદ આ સમગ્ર પ્રકરણનો પ્રારંભ થયો હતો અને દાંડી દરિયા કિનારે ફરવા ગયા બાદ આરોપીએ પોત પ્રકાશ્યું હતું.
સમગ્ર ઘટનાએ વલસાડ જિલ્લામાં ચકચાર મચાવી છે અને સમાજમાં સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે અને શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ પણ વાંચો: