નવસારી : આદિવાસી પંથકમાં લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને તમાશા પાર્ટી થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. જેની સાથે જ ઓટલા બેઠકો કરીને પણ મતદારો સાથે તેમને સ્પર્શતા મુદ્દાઓની વાતો કરી મતદાન માટે અપીલ કરવામાં આવે છે.
'સુપર ધવલ' : વલસાડ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો ચૂંટણી પ્રચાર માટે નવતર પ્રયોગ સામે આવ્યો છે. જેમાં સુપર ધવલ નામની એક ગેમનો વિડીયો બનાવવામાં આવ્યો છે. આ ગેમમાં ધવલ પટેલને નિરક્ષરતા, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર વિજય મેળવતા બતાવવામાં આવ્યા છે ગેમમાં જમીન સરક્ષણ રામ મંદિરના મુદ્દા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વલસાડ લોકસભા બેઠક પર આ ગેમ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેનું સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
પ્રચારનો નવતર પ્રયોગ : ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમના એક સમર્થકે સુપર મારિયો ગેમમાં ધવલ પટેલનો ફોટો અને વલસાડ લોકસભામાં ધવલ પટેલના વિઝનને આવરી લઈને એક ગેમ બનાવી છે. જેમાં સુપર ધવલ અનેક અવરોધો પાર કરીને વિજય મેળવે છે.
અનોખી ગેમના અવનવા સ્ટેજ : ધવલ પટેલ પ્રારંભે કમળ લઈને આગળ વધે છે અને ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, તૃષ્ટીકરણ અને બેરોજગારી જેવા મુદ્દાઓના અવરોધોને પાર કરી વલસાડ લોકસભા વિસ્તારમાં શિક્ષણને મહત્વ આપવું, ડાંગ-સાપુતારાનો પ્રવાસન તરીકે વિકાસ, આગ આદિવાસીના હક અને અધિકારના મુદ્દાઓ, જળ-જંગલ-જમીનનું સંરક્ષણ સાથે ભગવાન શ્રીરામના આશીર્વાદ લઈ જીતનો ઝંડો ફરકાવે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ : આ મારિયો ગેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે ડિજિટલ યુગમાં પ્રચારનું માધ્યમ બન્યો છે. આ વિડીયો ભાજપના એક સમર્થકે બનાવ્યો છે, જેને મતદારોમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ધવલ પટેલનો હુંકાર : ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ ગેમનો કન્સેપ્ટ અમારા યુવા સમર્થકો દ્વારા બનાવવામાં આવ્યો છે. જે સુપર મારીયો ગેમ પરથી બનાવવામાં આવ્યો છે. જેમાં વલસાડ લોકસભાના વિકાસના બધા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. વલસાડ લોકસભા બેઠકનો વિકાસ કઈ રીતે કરવાનો છે, તે આ ગેમમાં સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. જેને મતદારો પણ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. હાલ આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.