ઉમરગામ: વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં શુક્રવારે મેઘરાજાએ પોતાનું હેત વરસાવવા સાથે ઉમરગામ તાલુકામાં અને વલસાડમાં ભારે પવન સાથે રૌદ્ર રૂપનો પરચો બતાવ્યો છે. વલસાડ જિલ્લાના અને તાલુકામાં 10 કલાકમાં 4 ઇંચ તો ઉમરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં, રેલવે ગરનાળામાં અને ઓવરબ્રિજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે.
જિલ્લામાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉમરગામના રેલવેના નવા પુલ પાસે ગટર લાઈન ના અભાવે કલ્પવૃક્ષ પાસે દુકાનમાં પાણી ભરાયા હતાં. દુકાનમાં પાણી ભરાતા દુકાન માલિકની મુશ્કેલી વધી હતી. વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી પણ દુકાનોમાં ભરાતા વેપારીઓમાં આક્રોશ વ્યાપ્યો હતો.
1 થી 4 ઇંચ વરસાદ નોંધાયો: સોળસુંબા ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સૂન કામગીરીમાં ઉતારેલી વેઠથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. ઉમરગામની જેમ વાપી, પારડી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં પણ સરેરાશ એક ઇંચ થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
મેઘરાજાએ રમઝટ બોલાવી: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ રમઝટ બોલાવી ઉમરગામને ઘમરોળ્યું હતું. ઉમરગામ તાલુકામાં રસ્તાઓ પર વરસાદ પાણી વહેતા થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. અકરા મારુતિ તળાવ પાસે અનેક વાહનો પાણીમાં ફસાયા હતાં. ઉમરગામ ટાઉન, ગાંધી વાડી, સ્ટેશન મુખ્ય માર્ગ અને ઉમરગામ જીઆઇડીસી ઔદ્યોગિક વિસ્તારમાં પણ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી હતી. અનેક નીચાણવાળા વિસ્તારમાં 2 ફૂટ સુધીના પાણી ભરાતા જનજીવન તૌબા પોકારી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા ઉપરાંત દમણ અને સેલવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો વલસાડ તાલુકા 102mm, ધરમપુર તાલુકામાં 29mm, પારડી તાલુકામાં 68mm, કપરાડા તાલુકામાં 18mm, ઉમરગામ તાલુકામાં 151mm અને વાપી તાલુકામાં 65mm વરસાદ છેલ્લા દસ કલાકમાં વરસ્યો છે.
જ્યારે સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે. બીજા નંબરે ઉમરગામ તાલુકો છે.
- વલસાડ તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 1,168mm નોંધાયો છે.
- ઉમરગામ તાલુકામાં કુલ 1,144mm વરસાદ નોંધાયો છે.
- કપરાડા તાલુકામાં 976mm નોંધાયો છે.
- વાપી તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 932mm નોંધાયો છે.
- પારડી તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 801mm નોંધાયો છે.
- ધરમપુર તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 784mm નોંધાયો છે.