વલસાડ: વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોચી છે. જેને પગલે વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે. જેને પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
સમગ્ર જિલ્લામાં 176 MM વરસાદ નોંધાયો: વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 2 કલાકમાં વલસાડ તાલુકામાં 10 MM, ધરમપુર તાલુકામાં 20 MM, પારડી તાલુકામાં 13 MM, કપરાડા તાલુકામાં 3 MM, ઉમરગામ તાલુકામાં 32 MM, અને સૌથી વધુ વરસાદ વાપી તાલુકામાં 98 MM જેટલો નોંધાયો છે, આમ સમગ્ર જિલ્લામાં 176 MM જેટલો કુલ વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો: વલસાડ શહેરમાં અનેક નીચાણવાળા ક્ષેત્ર દાણા બજાર મોગરાવાડી જગન્નાથ મંદિર છીપવાડ કાશ્મીર નગર જેવા અનેક વિસ્તારમાં બે કલાકથી સતત પડી રહેલા વરસાદને પગલે વરસાદી પાણી રોડ ઉપર ભરાયેલા જોવા મળ્યા છીપવાડ પાસે આવેલા ઘરનાળામાં વરસાદી પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની આગાહી: વલસાડ જિલ્લામાં આગામી 3 દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. ત્યારે આજે વહેલી સવારથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં વરસાદ થતાં હવે ખેતરમાં ડાંગરની વાવણી શરૂ કરવામાં આવી છે.
મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા: ધરમપુર તાલુકાના સિવિલ હોસ્પિટલની સામેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ગટરની સાફ-સફાઈના અભાવે એક ફૂટ જેટલું વરસાદી પાણી રોડ ઉપર ચડી જવા પામ્યો હતો. જેને પગલે આવતા જતા વાહન ચાલકોને વરસાદી પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. લોકોને વરસાદી પાણીમાંથી વાહનો લઈ જવા માટે બારે હાલાકી ભોગવી પડી હતી. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં વહેલી સવારથી વરસાદની હેલી જામી હતી.