વલસાડ: દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાને 'ચેરાપૂંજી' તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં 100 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાય છે. જો કે ચોમાસાના ચાર માસમાં એક માસ પૂર્ણ થવા આવ્યો છે. જ્યારે જુલાઈ ચાલી રહ્યો છે તે દરમિયાન હજુ સુધીમાં 5 તાલુકાઓ મળી મોસમનો કુલ વરસાદ 26 ઇંચ જેટલો નોંધાયો છે.
સૌથી વધુ કપરાડા તાલુકામાં 31 ઇંચ વરસાદ: મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા કપરાડા તાલુકાના પર્વતીય પ્રદેશ ગણાતા અનેક ગામોમાં ચોમાસા દરમિયાન 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે છે. ત્યારે આ ચોમાસામાં મોસમનો અત્યાર સુધીનો કુલ વરસાદ કપરાડા તાલુકામાં અન્ય તાલુકાઓ કરતા સૌથી વધુ 31 ઇંચ જેટલો નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ મેઘરાજાની મહેર સતત થઈ રહી છે.
સૌથી વધુ વરસાદ હોવાને લીધે પાક મુખ્ય ડાંગર : મોટાભાગના ખેડૂતો વલસાડ જિલ્લામાં મુખ્યત્વે ડાંગરના પાક ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. જેથી વરસાદ શરૂ થતા જ પાંચ તાલુકાઓમાં ડાંગરના પાકની રોપણી શરૂ થઈ જતી હોય છે અને વરસાદ શરૂ થાય તેના એક અઠવાડિયા પહેલા ખેડૂતો પોતાના ખેતરને ડાંગરના પાક માટે તૈયાર કરી દેતા હોય છે. આ વર્ષે પણ વ્યાપક પ્રમાણમાં ડાંગરના પાકનું ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
પાંચ તાલુકામાં દોઢ ઇંચ જેટલો સરેરાશ વરસાદ: ગુરૂવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધીમાં વલસાડા ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા અનુસાર 5 તાલુકાઓમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ તાલુકામાં 1 ઇંચ, ધરમપુર તાલુકામાં 0 ઇંચ , પારડી તાલુકામાં 1 ઇંચ, કપરાડા તાલુકામાં 1 ઇંચ, જ્યારે ઉમરગામ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે વાપી તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ વલસાડ જિલ્લામાં ગુરૂવારના રોજ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અત્યાર સુધીમાં 26 ઇંચ વરસાદ: વલસાડ જિલ્લાના પાંચ તાલુકાઓમાં મોસમનો અત્યાર સુધીનો કુલ 26 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ તાલુકામાં 25 ઇંચ, ધરમપુર તાલુકામાં 22 ઇંચ, પારડી તાલુકામાં 20 ઇંચ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 31 ઈંચ, ઉમરગામ તાલુકામાં 29 ઇંચ અને વાપી તાલુકામાં 27 ઇંચ જેટલો વરસાદ મળી સરેરાશ અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ 26 ઇંચ જેટલો પહોંચ્યો છે.
મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો: મેઘરાજાની મહેરને કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવક વધી છે. હાલમાં મધુબન ડેમમાં પાણીની સપાટીનું લેવલ 70.95 મીટર પર પહોંચ્યું છે. જ્યારે ઇન્ફલો 2,772 ક્યુસેક પ્રતિ કલાકે જ્યારે આઉટલો 834 ક્યુસેક નોંધાયો છે. એટલે કે, ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આમ વલસાડ જિલ્લામાં મેઘરાજાની સતત બેટિંગના કારણે વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે ખેડૂતો ખુશ છે અને ડાંગરના પાક માટેની તૈયારીમાં જોતરાઈ ગયા છે.