વડોદરાઃ પોતાની જાતને ISI એજન્ટ તરીકે ઓળખાવતા આરોપીએ વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. વડોદરા એલસીબી અને રેલવે પોલીસ આ કોલથી એલર્ટમોડમાં આવી ગઈ હતી. આ આરોપીને વડોદરા એલસીબીએ ઝડપી લીધો હતો અને 1 દિવસના રીમાન્ડ પણ મેળવ્યા છે.
વલસાડ કંટ્રોલરુમમાં કોલ કર્યોઃ વલસાડ પોલીસ કંટ્રોલને એક અજાણ્યો કોલ આવ્યો હતો. કોલમાં વડોદરા રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીભર્યો કોલ મળતા વડોદરા પોલીસ અને રેલવે પોલીસ એલર્ટ થઈ હતી. પોલીસે તાત્કાલિક રેલવે સ્ટેશન પર તપાસ શરુ કરી હતી. પોલીસની ટીમોએ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી આખું રેલવે સ્ટેશન ખુંદી કાઢ્યું હતું. જો કે આ શોધખોળમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહતું.
રેલવે એલસીબીએ શ્યામજીને ઝડપ્યોઃ માહિતી અનુસાર વડોદરા રેલવે એલસીબીએ શ્યામજી સુરજબલી યાદવ(ઉ.40, રે.પાંડેસરા નાકા ઓવરબ્રીજ નીચે ફૂટપાથ ઉપર, સુરત)ને ઝડપ્યો હતો. શ્યામજીએ વડોદરા રેલ્વે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે અને પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ તરીકે પોતે ઓળખ આપી વલસાડ સિટી કંટ્રોલને જાણ કરી હતી. જો કે વલસાડ સિટી પોલીસે રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે એલસીબીના પીઆઈ ટી.વી. પટેલની ટીમે મોબાઈલ લોકેશનના આધારે શ્યામજી યાદવને સુરત ખાતેથી પકડી પાડયો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.જેમાં આરોપી આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલો છે કે કેમ? વલસાડ સિટી પોલીસ કંટ્રોલને ફોન કર્યા બાદ અન્ય કોઈને ફોનકર્યો છે કે કેમ ? તેવી પુછપરછ હાથ ધરાશે.
નશાની હાલતમાં ફોન કર્યોઃ વલસાડ સિટી પોલીસને ફોન કરનાર શ્યામજી યાદવને રેલવે એલસીબીએ સુરતથી પકડી પાડયો હતો. જયારે પોલીસે પ્રાથમિક પુછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે, સાહેબ મને ખબર જ નથી. પોલીસે પુરાવા બતાવતાં તેણે કહ્યું કે, સાહેબ મને પીવાની આદત છે એટલે નશામાં ફોન લાગી ગયો હશે. જો કે આ એક ફોને સમગ્ર રેલવે વહિવટી તંત્રને હચમચાવી દીધું હતું.