વડોદરાઃ સમગ્ર રાજ્યમાં રેતીના કિનારેથી રેતી ગેરકાયદેસર રેતી વેચવાનો વેપલો વધી રહ્યો છે. ભૂ ખનન માફિયાઓ રાજ્યમાં બેફામ બની રહ્યા છે. વડોદરામાં આજે આવા જ એક ભૂ ખનન પર પાદરા મામલતદારે દરોડો પાડ્યો હતો. ઘટના સ્થળે મોટા હીટાચી મશીન અને ડમ્પર્સ દ્વારા રેતી ખનન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસને સાથે રાખીને મામલતાદારે રેડ કરી હતી. આ રેડમાં આંકલાવ અને પાદરા તાલુકા પોલીસ પણ જોડાઈ હતી.
હેવી મશીનરી જપ્ત કરાઈઃ પાદરા મામલતદારે 4 ડમ્પર અને હીટાચી મશીનની અટકાયત કરી હતી. પાદરા મામલતદાર જિલ્લા બહાર આવી બીજા જિલ્લામાં પોતાની હદમાંથી રેતી નીકળે છે. તેના આધાર પુરાવા કે હદ માપણી વિના જિલ્લા બહાર રેડ કરવાની મંજૂરી વિના રેતી ખનન ઉપર રેડ કરવામાં આવતા મામલો ગરમાયો હતો. જોકે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા બન્ને તાલુકાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ભૂ ખનન માફિયાઓમાં ફેલાયો ફફડાટઃ પાદરા મામલતદાર દ્વારા જિલ્લા ફેર રેડ કરતા સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ રેતી ખનનની તપાસ જિલ્લા ફેરના અધિકારીઓને સોંપવામાં આવે તો મોટા પ્રમાણમાં વહીવટી તંત્રની મીલીભગત બહાર આવે તેમ છે. આજે કરવામાં આવેલ રેડને પરિણામે બામણગામ નદી કિનારે રેતી ખનન કરતા માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી, અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહીવટી તંત્રના લાંચીયા અધિકારીઓ અને ભૂ ખનન માફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો હતો. સમગ્ર રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં પણ બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. પાટણ જિલ્લામાં હેવી મશીનરી સાથે 9 ડમ્પર તાજેતરમાં જ વિજિલન્સ ટીમે ઝડપ્યા ત્યારે પાટણ જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી.