વડોદરા: રાજ્ય સરકાર અઢળક નાણાં ખર્ચીને રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવે છે. જો કે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી અવારનવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવે છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજય ધોરીમાર્ગ પર ડભોઈ-સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર બન્યો છે. જેમાં માત્ર એકવાર જોરદાર વરસાદ થતાં જ રેલવે ઓવરબ્રિજના ઉપરના ભાગનું RCC ધોવાઈ ગયું છે. જેના પરિણામે બ્રિજ પરના સળિયા બહાર દેખાતાં ચકચાર મચી જવા પામી છે.
માત્ર 7 માસમાં 2 વાર રીપેરિંગઃ ડભોઈ-સરિતા ફાટક ઉપર આવેલ રેલવે ઓવરબ્રિજનું 2023માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ બ્રિજ માત્ર 7 મહિનામાં જ 2 વખત સમારકામ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે પ્રથમ વરસાદે જ આ બ્રિજમાં RCC રોડનાં સળિયા પણ બહાર આવી ગયા હતા. જેથી આ કામમાં મોટી ગરબડ થઈ હોવાની ચર્ચાઓએ વેગ પકડયો છે.
શું તંત્ર મોરબી જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે?: વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈ-સરિતા ફાટક પાસેનો બ્રિજ રૂપિયા 25 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ અવારનવાર વિવાદમાં આવતો રહયો છે. આ બ્રિજ ઉપર વારંવાર ઊંડા ઊંડા ખાડા પડી જવાના કે RCCના સળિયા બહાર નીકળી જવાના, બ્રિજ વચ્ચેના સ્પાન છુટા પડી જવાનાં કેટલાક બનાવો બન્યા હતા પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જ લાગી રહ્યું છે. આ બ્રિજ બનાવવા માટે રેલવે ડિપાર્ટમેન્ટ, માર્ગ અને મકાન બાંધકામ વિભાગ દ્વારા આ બ્રિજને બનાવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર મોરબી જેવી હોનારતની રાહ જોઈ રહ્યું હોય એવું લાગતું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.
કોન્ટ્રાક્ટર છે અનિલ કન્ટ્રક્શનઃ મળતી માહિતી અનુસાર ડભોઈ-સરિતા ફાટકના રેલવે ઓવરબ્રિજની કામગીરી અનિલ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ બ્રિજ ડભોઈ અને વડોદરાને જોડતો આ મુખ્ય માર્ગ છે. આ માર્ગ દ્વારા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરવો જ પડે છે પરંતુ આ કન્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઉણપ હોવાના કારણે વારંવાર આ બ્રિજ ઉપર ખાડા પડી જતા હોય છે. સમગ્ર ઘટના બાબતે પણ કન્ટ્રક્શન કંપનીના અનિલભાઈએ મીડિયા સમક્ષ વાત કરવાનું પણ કે નિવેદન આપવાનું ટાળી દીધું હતું. આ સમગ્ર ઘટના બાબતે રેલ્વે અધિકારીનો પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.
ફેબ્રુઆરી 24માં પણ વિવાદઃ ફેબ્રુઆરી 2024માં રાત્રે એક eicher ટેમ્પો આ બ્રિજના ઉપર ટેકનિકલ ખામીને કારણે ફસાઈ ગયો હતો અને બ્રિજ પણ ડેમેજ થયો હતો. જેથી સફાળા જાગેલા તંત્ર દ્વારા રાતોરાત બ્રિજ ઉપર રીપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી. બ્રિજના 2 સ્પાન વચ્ચે મોટી તિરાડ પડી ગઈ હતી. આ તિરાડમાં એક આઈશર ટેમ્પો ફસાઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર ડભોઈમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ તંત્રની કામગીરી ઉપર સવાલ પણ ઉઠ્યા હતા.
કરવેરાનાં કરોડો પાણીમાંઃ પ્રજાની સુખાકારી માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કરોડો રૂપિયાનો ખર્ચે કરે છે. તંત્રના અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારીને લીધે સરકારે પ્રજા પાસેથી કરવેરાના સ્વરુપે ઉઘરાવેલા આ કરોડો રુપિયા પાણીમાં જાય છે. આ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે વધુ નફો મેળવવાની લાલચે મટિરિયલની ગુણવત્તામાં ગોલમાલ કરી હોવાની પણ વાતો ઉડી રહી છે.