વડોદરાઃ હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર વડોદરામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજે રોજ વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો છે.
શહેરના માર્ગો પાણીમાં ગરકાવઃ વડોદરા શહેરમાં સવારે જોરદાર વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા છે. માત્ર 3 ઈંચ વરસાદમાં જ જો પાણી ભરાઈ જવાથી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.
સીઝનનો સૌથી વધુ વરસાદ આજેઃ વડોદરા શહેરમાં વર્ષાઋતુની સીઝનનો એક સાથે આટલો વરસાદ પહેલીવાર વરસ્યો છે. આજે સીઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે. સવારે 8 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.
શહેરીજનોને તકલીફઃ વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જ જન જીવન ખોરવાયું હતું. સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. શાળામાં મુકવા જતાં વાલીઓ બાળકને સ્કૂલે પહોંચાડવામાં ક્યાંકને ક્યાંક મુશ્કેલીઓ અનુભવતા જોવા મળ્યા હતાં. તો ક્યાંક નોકરી ધંધા માટે જતાં લોકો માટે પણ સતત વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં. અવિરત વરસાદના કારણે ફૂટપાથવાસીઓ અને ઝૂપડાવાસીઓ દયનીય હાલતમાં મુકાઈ ગયા છે. રોજ મહેનત કરી ગુજરાન ચલાવનારા શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
વડોદરાની શહેરની સ્થિતિ કંટ્રોલરૂમ થી નજર રાખવામાં આવી રહી છે અને વડોદરા શહેરના લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. હાલ વિશ્વામિત્રી કે આજવા સરોવરની સપાટીને લઈને કોઈ ચિંતાનો સવાલ નથી પરંતુ જો સતત વરસાદ વરસતો રહે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જશે ત્યારે એ વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પંચાયતની 20 જેટલી શાળાઓમાં મેડિકલથી લઈને જમવાની સુવિધા પણ કરી દેવામાં આવી છે...પિંકી સોની(મેયર, વડોદરા)