વડોદરા : વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલનો એક ભાગ ગતમોડી રાત્રે ધરાશાયી થયો હતો. આ જર્જરિત ઇમારતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન અંતર્ગત સરકારી ટેક્નિકલ સ્કૂલ આવે છે. જે ગત રાત્રે એક ભાગ ધરાશાયી થતા તાત્કાલિક ડિમોલિશન ટીમ દ્વારા બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોતું હતું? દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આવેલી સરકારી ટેક્નિકલ સ્કૂલમાં અભ્યાસ માટે બાળકો આવતા હતા. આ ઈમારતનું નિર્માણ 1960માં કરવામાં આવ્યું હતું. જેણે આજે લગભગ 64 વર્ષ ઉપરાંતનો સમય વિતાવ્યો છે. બાંધકામની સ્થિતિ જર્જરિત થયેલી હોવાથી એને લઈને તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી આ શાળામાં બાળકોને અભ્યાસ માટે બેસાડવામાં આવતા ન હતાં. ત્યારે રાત્રિના સમયે એકાએક ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો. જો કે રાત્રે બનેલી ઘટનાને લઈને કોઈ જાનહાનિ થઈ નથી. આ જર્જરિત ઇમારતને ડિમોલિશના શાખા દ્વારા યુદ્ધના ધોરણે હિટાચી મશીનો દ્વારા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.
તંત્રએ ડિમોલિશન કામગીરી આરંભી હતી. જાણવા મળતી માહિતી મુજબ રાત્રિના 2 વાગ્યાની આસપાસ કુદરતી વાતાવરણના કારણે આ ઈમારત જર્જરિત ધરાશાયી થઈ સવારે અમને માહિતી મળતાની સાથે જ ડિમોલિશન ટીમ સાથે પહોંચી ગયા છીએ. અહીંના આચાર્યએ કેટલોક સામાન સેટલમેન્ટ કર્યો હતો અને બાદમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે... અધિકારી (ડિમોલિશન શાખા)
જાન્યુઆરીથી શાળા બંધ કરાઇ હતી : 1 જાન્યુઆરી 2024થી સીલ મારવામાં આવ્યું હતું. આબાબતે નોટિસ અને ઇમારત ઉતારવાનું સેટલમેન્ટ ચાલી જ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના ઘટીછે. આ બિલ્ડિંગની પાછળના ભાગમાં ગ્રાઉન્ડ આવેલું છે. હાલમાં ડિમોલિશન કામગીરી ચાલી રહી છે.
વડોદરા શહેરમાં 1000 જેટલી ઇમારતો જર્જરિત છે છતાં પણ તેનું ડિમોલિશન કરવામાં આવતું નથી. તંત્ર માત્ર નોટિસ પાઠવીને સંતોષ માને છે. તાજેતરમાં જ હરણી ખાતે આજે તંત્રની બેદરકારીને કારણે બોટ દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવે છે હજી એ સહી સુકાઈ નથી છતાં પણ તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું હોય તેમ નગરમાં ચર્ચા ચાલી રહી છે.
અધિકારીઓ નિવેદન આપવાથી બચ્યાં : સરકારી પોલીટેકનિક સ્કૂલમાં જર્જરિત ભાગ ધરાશયી થયાં બાદ શાળાના આચાર્ય આર. કે. જેઠવાએ મીડિયાના પ્રતિનિધિઓએ સમગ્ર ઘટના બાબતે પૂછતા તેઓ મીડિયાથી વેગળા રહ્યાં હતાં અને તેઓએ કોઈ પણ જાતનો પ્રત્યુતર આપ્યો ન હતો. માત્ર મીડિયાના પ્રતિનિધિઓને હાથ જોડીને ઈશારો કરી દીધો હતો.