વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજયને MGVCL દ્વારા 9.24 લાખ રૂપિયાનું લાઈટ બિલ બાકી હોવાનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. સામાન્ય રીતે તેમનું બિલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને સ્માર્ટ મીટર લાગતા જ લાખ્ખો રૂપિયાનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો. આ છબરડાથી સમગ્ર પરિવાર હેરાન પરેશાન થઈ ગયો અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.
9,24,254 રૂપિયા લાઈટ બિલઃ મૃત્યુંજય ગોરવા વિસ્તારની રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. તેઓ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઇલમાં લાઈટ બિલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પર આભ તુટી પડ્યું હતું. જો કે, તેમને વેકેશનમાં વતન કોલકાતા જવાનું હોવાથી તેઓ આ મામલે વધુ તપાસ કરી શક્યા નથી. સામાન્ય રીતે દર મહિને 2 હજારની આસપાસ લાઈટ બિલ આવતા ગ્રાહકને 9 લાખથી વધુ લાઈટ બિલ બાકી છે તેવો મેસેજ આવતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ઉલટાના ગ્રાહકને 1073 રૂપિયા MGVCL પાસેથી લેવાના નીકળે છે. MGVCLનો આવો અંધેર વહીવટ ક્યારેક નિર્દોષ વ્યક્તિનો ભોગ પણ લઈ શકે છે.
હું ગોરવા વિસ્તારમાં આવેલી રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં છેલ્લા 7 વર્ષથી ભાડેથી રહુ છું. મારે દર મહિને એવરેજ 2 હજાર રૂપિયાની આસપાસ લાઈટ બિલ આવે છે. હવે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે તમારું સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ થઇ ગયું છે અને તમારું આઉટ સ્ટેન્ડિંગ બિલ 9,24,254 રૂપિયા છે. દર મહિને 5 હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે. આ સ્માર્ટ મીટર ક્યારે લાગ્યું તે ખબર નથી. હું વેકેશનમાં કોલકાતા જઇ રહ્યો હોવાથી આટલા મોટા બિલ વિશે તપાસ કરી શક્યો નથી. હું પાછો આવીને આ મામલે તપાસ કરીશ. મેં પાડોશીઓને પણ તપાસ કરવા માટે કહ્યું છે. સ્માર્ટ મીટર મારા ઘરમાં ક્યારે લાગ્યું તે પણ ખબર નથી...મૃત્યુંજય ધર(ભોગ બનનાર ગ્રાહક, વડોદરા)
સ્માર્ટ મીટરના કારણે લોકોને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઉસિંગના મકાનમાં રહેતા વ્યક્તિને 9.24 લાખરૂપિયા બિલ આવ્યું છે. ત્યારે આ પરિવારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્માર્ટ મીટર કાઢી નાખવા જોઈએ અને જૂના મીટર પાછા લગાડી દેવા જોઇએ...વિરેન રામી(સામાજિક કાર્યકર, વડોદરા)
ગોરવા વિસ્તારમાં ભાડેથી રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિને મોબાઈલ ઉપર મેસેજ મારફતે વીજ બિલ મોકલાયું હતું. મીડિયામાં અહેવાલ આવતાં MGVCLએ ગ્રાહકની વિગતો ચકાસી હતી. માનવીય ભૂલના કારણે 9.24 લાખના વીજ બિલનો મેસેજ મોકલાયો છે. ગ્રાહકને સ્માર્ટ મીટર લગાવ્યા પછી 1073 રૂપિયા MGVCL પાસેથી લેવાનાં નીકળે છે. ગ્રાહકને ટૂંક સમયમાં રિફંડ આપવામાં આવશે...તેજસ પરમાર(MD, MGVCL)