સુરત: હરણી દુર્ઘટના મુદ્દે કોન્ટ્રાક્ટને લઈને વડોદરા કોર્પોરેશન અને ભાજપમાં વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ આ વિવાદ વકરી રહ્યો છે જ્યારે બીજી તરફ સામે લોકસભાની ચૂંટણી છે. તેથી આ વિવાદનો અંત લાવવા અને લોકસભા ચૂંટણીની તૈયારી મુદ્દે સુરતમાં સી. આર. પાટીલે એક મીટિંગનું આયોજન કર્યુ હતું. જેમાં વડોદરાના સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય અને કોર્પોરેશનના અધિકારીઓ જેવા કે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
2 કલાક ચાલી મીટિંગઃ સુરતના અંબાનગર ખાતે આવેલ સી.આર. પાટીલની ઓફિસમાં આ તમામ લોકો ઉપસ્થિત થયા બાદ મીટિંગ શરુ થઈ હતી. જેમાં સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં આ વિવાદ અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આશરે 2 કલાક ચાલેલી આ મીટિંગમાં લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપ ભવ્ય વિજય મેળવે તે માટેની રણનીતિની પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. વડોદરા કોર્પોરેશન અને ભાજપ વચ્ચે વિવાદ સમેટાઈ જાય અને લોકસભા ચૂંટણી પર તેની નકારાત્મક અસર ન પડે તે હેતુથી આ મીટિંગ તાત્કાલિક બોલાવાઈ હોવાનું જણાઈ રહ્યું છે.
મીટિંગ સફળ રહી હોવાનું અનુમાનઃ સુરતમાં અંબાનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસમાં મળેલ આ મીટિંગ સફળ રહી હોવાનું અનુમાન લગાડાઈ રહ્યું છે. આ મીટિંગ સવારે 11 કલાકે શરુ થઈ હતી. જેમાં વડોદરા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્ય અને સાંસદ રંજન ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે અંદાજિત 2 કલાક ચાલેલ આ મીટિંગ બાદ એક પણ અગ્રણીએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જો કે વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ પોતાનો સરકારી જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આ કોન્ટ્રાક્ટ અમારી સત્તા હતી ત્યારે અપાયો નથી. હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે.