વડોદરાઃ વડોદરાના ભાયલી ખાતે બીજા નોરતાની રાત્રે જે કાંઈ પણ બન્યું તેમાં દીકરીની પીડા જાણે કે વડોદરા સહિત સમગ્ર ગુજરાત અનુભવી રહ્યું હોય તેવો માહોલ આજે વડોદરામાં જોવા મળ્યો હતો. આજે ભાયલી ખાતે સામુહીક બળાત્કારની ઘટનાને અંજામ આપવાના આરોપમાં પકડાયેલા ત્રણ શખ્સોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જે વખતે જાણે કે વાતાવરણ એક દમ તંગ હોય, લોકોમાં તો આ શખ્સોનો અહીં કોર્ટ બહાર જ ફેંસલો કરી દેવાની તાલાવેલી હતી. કોર્ટમાં વકીલો પણ એટલા જ ગુસ્સામાં હતા. પોલીસ પણ આ ગુસ્સાને પહેલાથી જ ભાખી ગઈ હતી. પોલીસનો જાપ્તો આવ્યો કે જાણે કે અહીં ઊભેલી ભીડમાં હરકતો થવા લાગી. પોલીસે પણ તુરંત માનવસાંકળ બનાવી એક રસ્તો બનાવી દીધો અને બંને તરફ ઊભા રહી આરોપીઓને જેમ બને તેમ જલ્દી કોર્ટમાં રજૂ કરી શકાય તે રીતે ઉતાવળે પગલા માંડવા લાગી.
એક તરફ ન્યાયાધીશ સમક્ષ પહોંચવાના પગલા ઉતાવડે લેતી પોલીસ પણ જાણતી હતી કે જો અહીં ક્ષણીક વાર થશે તો પણ ટોળાને સાચવવું ભારે પડી જશે. બીજી બાજુ જાણે કે પોતાના કૃત્ય પછી ક્યાંક લોકો જ મોબલિંચિંગ ના કરી નાખે તેવો ભય આરોપીઓના ચહેરા પર પણ જોવા મળી રહ્યો હતો. આરોપીઓ પોલીસના કહ્યા પ્રમાણે પોતાનું માથું બચાવતા હોય તે રીતે નીચે નમાવી સડસડાટ પોલીસ દોડાવે તે દિશામાં પોતાના પગલા માંડી રહ્યા હતા. કોર્ટ પરિસર આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોથી ભરાઈ ગયેલો હતો. અહીં લોકોમાં પણ નારાજગી હતી, ગુસ્સો હતો અને તેથી પણ વધારે દરેકના મનમાં દીકરીના દુઃખની પીડા હતી.
2 દિવસ માટે આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજુર
કોર્ટ પરિસરમાં અત્યંત ભીડ હતી. સાથે જ કોર્ટમાં પણ એવી જ રીતે લોકો આતુર હતા કે ન્યાયાધીશ આ અંગે શું કહે છે, કોર્ટમાં હાજર એક વકીલ ભાવીન વ્યાસના જણાવ્યા પ્રમાણે, આ કાર્યવાહી દરમિયાન કોર્ટમાં આરોપીઓ પૈકીનો એક આરોપી ઊભો થયો હતો અને તેણે કહ્યું હતું કે, "સહાબ જેલ ભેજ દો... પુલીસ બહુત મારતી હૈં.." બસ આટલું કહેતા જ ત્યાં હાજર વકીલોએ પોલીસ જીંદાબાદના નારા લગાવ્યા હતા. કોર્ટમાં એટલો શોરબકોર થઈ ગયો કે ના પુછો વાત. જોકે હવે આ મામલામાં કોર્ટમાં નક્કર કાગળ પર કેટલું લેવાયું છે તે અંગેની જાણકારી સમય જતા સામે આવશે. હાલ પોલીસે આ મામલામાં 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આરોપીઓ પર કોર્ટ બહાર ટપલીદાવ
જોકે બીજી બાજુ જ્યારે આ શખ્સોને કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા પછી કોર્ટની બહાર લઈ જવાતા હતા ત્યારે કોર્ટની બહાર તો પહેલાથી જ એટલી ભીડ પહોંચી ગઈ હતી કે તેમની વચ્ચેથી પોલીસને આરોપીઓને જાપ્તાની વાન સુધી પહોંચાડવા માટે રિતસર ધક્કામુક્કી કરવી પડી હતી. આ દરમિયાનમાં ત્યાં હાજર કેટલાક લોકો દ્વારા આરોપીઓ પર ટપલીદાવ પણ કરી દેવાયો હતો. આ અંગે પણ ભાવીન વ્યાસે કહ્યું હતું કે, કોર્ટ પરિસરની બહાર ખુબ ભીડ હતી. જોકે પોલીસ લઈ જતી હતી ત્યારે સામાન્ય ટપાટપી જેવું થયું હતું.