વડોદરા : વડોદરા - કરજણ નેશનલહાઇવે નંબર 48 ઉપર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બનતા સ્થાનિક રહીશો તાત્કાલિકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી આરંભી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો હતો.
પાંચ લોકોનું મોત : અકસ્માતમાં બે ભાઈ, બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં સન્નાટો છવાઈ ગયો છે. જાણવા મળતી માહિતી મુજબ પ્રજ્ઞેશભાઈ પટેલનો પરિવાર તેમના મિત્ર દિલીપસિંહ પરમારના પરિવાર સાથે ગઈકાલે સવારે 9:00 વાગે ભરૂચ જિલ્લાના નિકોરા ગામ ખાતે આવેલા પ્રજ્ઞેશભાઈના ખેતરમાં પિકનિક માટે ગયો હતો.પરંતુ પરત ફરતા સમયે આ ઘટના બની હતી. બંને ભાઈઓ સાથે રહેતા હતા. પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો. હાલ તો કોઇ રડનાર પણ રહ્યું નથી. એક સાથે 5 વ્યક્તિઓની અંતિમયાત્રા નીકળતાં વિસ્તારમાં શોક છવાઇ ગયો હતો.
પરિવારને કાળ ભરખી ગયો : વડોદરા શહેરમાં રહેતા બે ભાઈઓનો પરિવાર વતનમાંથી રવિવારે મોડી રાત્રે સુરત તરફથી વડોદરા આવી રહ્યા હતા. ત્યારે આ પટેલ પરિવાર વડોદરા સ્થિત જાંબુવા બ્રિજથી તરસાલી તરફ કારમાં જઇ રહ્યો હતો. જ્યાં સાઇડ ઉપર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળથી ઘડાકાભેર કાર ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયા હતાં. જેમાં ચાર વર્ષની એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતની ગંભીરતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ નિકુંજ આઝાદની સાથે તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી હતી.
એક વર્ષની માસૂમ બાળાનો બચાવ : વડોદરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગધરાત્રિના સમયે ગમખ્વાર અકસ્માતો સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં સવાર એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતા. જોકે આ તમામ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં સવાર ચાર વર્ષની એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. મૃતક પરિવાર વડોદરાના સયાજીપુરા ગામ પાસે આવેલા સાગર ફિલ્મ સિટીની બાજુમાં માધવ નગરમાં રહેતો હતો.
નેશનલ હાઇવે ઉપર જ્યાં ત્યાં ટ્રેલરો ટ્રાફિક નિયંત્રણનું શું ? : સ્થાનિક રહીશોમાં ચાલતી ચર્ચાઓ મુજબ જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર આવા ટ્રેલર પડેલા જ હોય છે. આ ટ્રેલર અહીં ન ઉભી હોત તો આ બધા બચી જાત. ટ્રેલર ચાલક અને તેના માલિકની સામે કાર્યવાહી કરવી જોઇએ. ટ્રેલરનો ડ્રાઇવર અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે. એક 5 વર્ષની બાળકી બચી ગઈ એના ભવિષ્યનું શું? એના મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યા છે અને દાદાદાદી પહેલેથી જ નથી. જેથી આવા ટ્રેલર ચાલક અને તેના માલિક ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. તેવી લોકમાં ઉઠવા પામી હતી.
મૃતક ઉર્વશીબેનના પિતાની વેદના : મૃતક ઉર્વશીબેનના પિતા બિપિનભાઈ પટેલે જણાવ્યું કે, મારી દીકરી, જમાઇ અને ભાણેજનું મોત થયું છે. બચી ગયેલી ભાણી અસ્મિતાને મોટી કરવાની અમારી જવાબદારી છે. બંને ભાઈઓ MR (મેડિકલ રિપ્રેઝન્ટેટિવ) હતા. આટલો મોટો અકસ્માત સર્જાયો પરંતુ કોઇ રાજકીય આગેવાન જોવા પણ આવ્યા નથી. હાઇવે પોલીસ પેટ્રોલિંગમાં હોય છે તે સમય દરમિયાન આવા ટ્રેલરો સામે કાર્યવાહી કરતી નથી ? જેવા અનેક સવાલો ઊભા થયા છે.
મૃતકોના નામ : પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉ.વ. 34), મયૂરભાઈ પટેલ (ઉ.વ. 30), ઉર્વશીબેન પટેલ (ઉં.વ. 31), ભૂમિકાબેન પટેલ (ઉ.વ. 28), લવ પટેલ (ઉં.વ. 1) તેમ જ બચી ગયેલી બાળકી અસ્મિતા પટેલ (ઉ.વ. 4).