અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં ગતરોજ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ અસામાજિક તત્વો દ્વારા ગાડીઓમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાના પગલે વાડજ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ શરૂ કરી હતી.
વાડજના રામકોલોનીમાં બની હતી ઘટના: વાડજ વિસ્તારમાં આવેલી રામકોલોનીમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વો દ્વારા ગાડીઓના કાચ તોડીને વાહનોને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. તેના કેટલાક વિડિયો પણ વાઇરલ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ વાડજ પોલીસે નોંધ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને આ અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.
અંદાજિત 15 ગાડીઓની તોડફોડ કરાઇ: આ ઘટના અંગે વધુ સ્પષ્ટતા કરતા DCP હિમાંશુ વર્માએ કહ્યું હતું કે, કાલે રાત્રે 15 થી 20 લોકોના ટોળા દ્વારા વાડજમાં આવેલ રામકોલોનીમાં અંદાજિત 15 જેટલી ગાડીઓની તોડફોડ કરી હતી. ઘટના બનતા વાડજ પોલીસ પહોંચી હતી અને લોકોને આશ્વાસન આપ્યું હતું.
જૂની અદાવત હોવાનું સામે આવ્યું: પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ કે, આ ટોળું ભરવાડવાસમાંથી આવ્યું હતું. ભરવાડવાસ અને રામકોલોનીના લોકો વચ્ચે એક મહિના પહેલા બાઇકની અદાવતને લઇને ઘર્ષણ ચાલતું હતું. તે અંગે 20 ઓક્ટોબરના રોજ FIR દાખલ કરી હતી.
ટોળામાં શામેલ 2 આરોપીની ધરપકડ કરાઈ: આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. જેને લઇને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી રણજિત કાળુભાઇ પર વાડજ પોલીસ સ્ટેશનમાં 3 અને નરોડા પોલીસ સ્ટેશનમાં 1 ગાળાગાળી અને માથાકૂટનો ગુન્હો નોંધાયેલ છે અને બીજા આરોપી નીરવ ભરવાડની વાડજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
લાકડી અને દંડા વડે કરાઈ હતી તોડફોડ: વધુમાં DCP હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, આ ઘટનાના CCTV ની તપાસ બાદ ખ્યાલ આવે છે કે, આ આરોપીઓ પાસે લાઠી અને દંડા હતા. જેનાથી તેમણે તોડફોડ કરી અન્ય કોઈ હથિયાર તેમની પાસે હોય તેવું હજુ સુધી ધ્યાને આવ્યું નથી.
આ પણ વાંચો: