રાજકોટ: ઉપલેટા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલ દ્વારકાધીશ વિસ્તારમાં રહેતી મહિલાઓએ તેમના રહેણાંક વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં છેલ્લા એક વર્ષથી ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા ઠલવવામાં આવેલ કાટમાળ હટાવવા માટેની લેખિત તેમજ અનેક મૌખિક ફરિયાદો કરી હતી ત્યારે આ ફરિયાદનું છેલ્લા એક વર્ષથી કોઈ પણ પ્રકારનું નિવાળો નહીં આવતા અને અનેક વખત મૌખિક ફરિયાદો કરવા છતાં તંત્ર કામ કરવાની તસ્દી ના લેતા મહિલાઓ રોસે ભરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ફરિયાદ કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદ કરવા આવેલી મહિલાઓ અને ચીફ ઓફિસર વચ્ચે "તુ તુ મે મેં" જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે એક વર્ષથી પીડાઈ રહેલી મહિલાઓની ફરિયાદમાં લાજવાને બદલે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર ગાજવા લાગ્યા હતા. ત્યારે મહિલાઓએ જણાવ્યું હતું કે,અધિકારી પોતાની ભૂલને લઈને લાજવાને બદલે ગાજી રહ્યા હતા અને તેઓની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા ન હોવાની પણ મહિલાઓએ ફરિયાદ કરી છે.
ઉપલેટા નગરપાલિકા દ્વારા કાટમાળ ઠલવી દેવાયો: ઉપલેટા શહેરના દ્વારકાધીશ વિસ્તારમાં રહેતી મહિલાઓએ મીડિયામાં શમક્ષ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી સાર્વજનિક પ્લોટમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા કાટમાળ ઠલવી દેવાયો છે. આ કાટમાળના કારણે ત્યાં અનેક જીવજંતુઓ ઉદ્ભવી રહ્યા છે અને આ જીવજંતુઓના કારણે તેમના બાળકોનું જીવનું જોખમ ઊભું થાય છે અને સાથે અહિયાં ગંદકીના કારણે બીમારીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યા અને તેમને પડતી તકલીફો અંગે તેમના દ્વારા અગાઉ અનેક લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. જો કે આ લેખિત ફરિયાદો તેમજ મૌખિક ફરિયાદોનું કોઈપણ પ્રકારનું નિકાલ નહીં થતા અંતે મહિલાઓ વરસાદ પડતાની સાથે રોષે ભરાઈ હતી અને રણચંડી બની ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે સમગ્ર બાબતે ફરિયાદ કરવા પહોંચી હતી.
વરસાદ શરૂ થયા બાદ મુશ્કેલીઓ વધી: ઉપલેટા નગરપાલિકા કચેરીની પ્રી-મોન્સુન કામગીરી યોગ્ય થઇ નથી તેવી ફરિયાદો મહિલાઓ દ્વારા ઉઠવા પામી હતી. ત્યારે આ મામલે અગાઉ પણ મીડિયા દ્વારા અહેવાલ કરાયા છે છતાં કોઈ કાર્યવાહી જોવા મળી રહી નથી. જો કે છેલ્લા ઘણા દિવસોથી ઉપલેટામાં વરસાદ શરૂ થયા બાદ હવે છેક દેખાવ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી આવી છે
મીડિયા સામે પોતાની ક્ષતિઓ રજુ કરી: ઉપલેટામાં છેલ્લા એક વર્ષથી પીડાતી મહિલાઓની ફરિયાદ સાંભળવા અને તેમની રજૂઆત સાંભળવા આવેલ મીડિયા સામે પોતાની ક્ષતિઓ અને લોલમ લોલ કામગીરીઓ ખૂલે નહીં તે માટે રોષ સાથે મીડિયા પ્રતિનિધિઓની હકલપટ્ટી ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જો કે આ બાબતે મીડિયા પ્રતિનિધિઓ દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો હતો અને ત્યારે જ ફરિયાદ કરવા આવેલ મહિલાઓએ ચીફ ઓફિસરને પણ સારા એવા તતડાવ્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે, "જો આગામી દિવસોમાં અમારી એક વર્ષથી ચાલતી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે વધુ ઉગ્ર આંદોલન અને આગામી કાર્યક્રમો કરીશું."