ઉપલેટા: ઉપલેટામાં ગત ડિસેમ્બર 2020માં એક યુવક પર છરી વડે ઘાતક હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો, જેમાં માર મારવાના આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું. આ મોત બાદ મૃતક યુવકના પરિવારજનોએ હત્યા કરનાર આરોપી સામે ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ પોલીસ ફરિયાદ બાદ આ સમગ્ર મામલાનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા દંડ કરતો હુકમ ફરમાવ્યો છે.
કાદી વિસ્તારમાં ગત તારીખ 07 ડિસેમ્બર 2020 ના સૌ પ્રથમ ઉપલેટામાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અને મરણ જનાર અમિત મહેન્દ્રભાઈ પરમારને છરી લાગવાની ઈજાના સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો, જ્યાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતો. આ દરમિયાન તેનું મોત થયું હતું. જે તે સમયે ઉપલેટા દ્વારા આ બનાવની પ્રાથમિક તપાસ કરેલી હતી અને ત્યારબાદ એલ.સી.બી. ટીમના જે તે સમયના પી.આઇ. એમ. એન. રાણાએ આ મામલાની તપાસ કરી અને ચાર્જશીટ ફરમાવેલું હતું ત્યારે હાલ આ બાબતનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ સમક્ષ પુરાવો નોંધાયેલો હતો અને દલીલો થયેલી હતી.
આ બાબતમાં આરોપી પક્ષે એવી બચાવ લેવામાં આવેલો હતો કે, મરણ જનારના શરીર ઉપર અને પ્રોસિટ્યુશનના કેસ પ્રમાણે માત્ર એક જ છરીનો ઘા મારવામાં આવેલો છે, ત્યારે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને અન્ય ચુકાદાઓને ધ્યાને લઈ અને સિંગલ બ્લોનો કેસ હોય ત્યારે ખુન કરવાનો ઇરાદો એટલે કે જાનથી મારી નાખવા માટે કરેલું કૃત્ય ગણી શકાય નહીં અને આ બનાવને હળવાશથી લઈ જવો જોઈએ તેવું જણાવ્યું હતું અને આવેગ અને ક્રોધથી કરેલું કૃત્ય છે તે ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ તકસીરવાન ઠરાવી શકાય નહીં તેવું જણાવવામાં આવ્યું હતું.
આ બાબતમાં ફરિયાદ પક્ષ તરફે રહેલ ધોરાજીની સેશન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે, આ બનાવ આખો જોવામાં આવે તો છ નજરે જોનાર સાહેદ છે, સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ઠરાવેલું છે કે, જ્યારે નજરે જુનાર સાહેદ હોય તેવા કિસ્સામાં આરોપીનો મોટીવ મહત્વનો રહેતો નથી અને વિશેષ રીતે હાલના કિસ્સામાં આરોપી મરણ જનારના ઘરે ગયા હતા. આ બનાવમાં આરોપીને તકરાર એવી હતી કે, આરોપીના બહેનને મરણજન સાથે મિત્રતા હતી.
આરોપીની બહેન સાથેની આ મિત્રતાનો સંબંધ આરોપીને પસંદ ન હતો જેથી લગભગ એક કે દોઢ કલાક સુધી આરોપીએ મરણ જનારના પરિવારને ધમકાવેલ અને પછી પોતે અચાનક ઊભો થઈને બહાર જતો રહેલ અને પછી છરી લઈને આવેલ અને આ છરીથી મરણ જનારના પેટમાં ઘા મારી દીધેલો હતો જેના કારણે મરણ જનારને વિશેષ રક્તસ્ત્રાવ થયેલો અને મરણ જનારનું સારવાર દરમિયાન અવસાન થયેલું હતું.
અહીંયા સરકાર પક્ષે વિશેષ દલીલો કરેલી હતી અને એક તબક્કે એવું પણ દલીલમાં જણાવેલું હતું કે, કદાચ પોલીસની તપાસમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલી હોય તો તેનો લાભ પણ આરોપીને મળી શકે નહીં. નજરે જોનાર સાહેદના જુબાનીઓમાં મેજર કોન્ટ્રાડીકશન ન હોય ત્યારે તેને ગ્રાહ્ય રાખવું પડે અને સૌથી વધારે દુરાબાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના ચુકાદાને ધ્યાને લઈ દલીલ કરેલી હતી કે, જો નજરે જોનાર સાહેદનો પુરાવો વિશ્વાસપાત્ર હોય તો અન્ય મુદ્દાઓ સાબિતીનો બોજો આરોપી પક્ષ પર શિફ્ટ થઈ જાય તેવું જણાવ્યું હતું.
આ સમગ્ર બાબતો અને દલીલો તેમજ ચુકાદાઓ અને જજમેન્ટને ધ્યાને રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી હાર્દિક જીવા સોલંકીને તકસીરવાન ઠરાવ્યો હતો અને તેમને આજીવન કેદની સજા અને ₹8,000 દંડ ફટકાર્યો હતો.