રાજકોટ: ઉપલેટાની નામદાર કોર્ટ દ્વારા વર્ષ 2021માં ઉપલેટા શહેરમાં નવજાત બાળકને તરછોડી દેવાના ગુનામાં માતા-પિતાને ઉપલેટા નામદાર કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે. ઉપલેટાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એ.એ. દવે દ્વારા તકસીરવાન ઠરાવીને માતા-પિતા બન્નેને બે વર્ષની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો છે.
તરછોડાયેલું બાળક મળ્યું: ઉપલેટા નામદાર કોર્ટના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે.એમ. ટાંકે આ મામલે જણાવ્યું હતું કે, ઉપલેટા શહેરના પાટણવાવ રોડ ઉપર વર્ષ 2021માં પશુ ચરાવતા એક માલધારીને પાટણવાવ રોડ પર આવેલ પોલીસ ચોકી પાસેના પુલ પાસેથી અવાવરૂ જગ્યામાં એક તરછોડાયેલ બાળક મળી આવ્યું હતું. આ બાળકને લઈને તેઓ ઉપલેટા પોલીસ મથકમાં ગયાં હતા અને બાળકને તરછોડનારના માતા-પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઉપલેટાની નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ હતી જે ત્યાર બાદ આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં ઉપલેટા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને સજા અને દંડ ફટકારવામાં આવ્યો.
સગા માતા-પિતાને દંડ અને સજા: ઉપલેટા નામદાર કોર્ટે બાળકને તરછોડનાર પરપ્રાંતિય મજુર અને બાળકના સગા માતા-પિતાને બાળકને તરછોડી દેવાના ગુનાની અંદર પિતા અમદા ઝંડુ માલિયા (રાઠવા) તેમજ માતા પાનડીબેન તકસીરવાન ઠરાવેલ છે, જેમાં ફરિયાદ પક્ષે રજુ થયેલ પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈ ઉપલેટાના મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એ.એ. દવેએ I.P.C 317, 114 ના ગુનામાં નવજાતને તરછોડી દેનાર માતા-પિતાને આરોપીઓ જાહેર કરીને બે વર્ષની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
ઉપલેટા કોર્ટ દ્વારા કરાયેલ હુકમની સાથે એવો પણ હુકમ કરવામાં આવ્યો છે કે, જેમાં આ બાળક હાલ બે વર્ષથી નાની ઉંમરનું છે જેથી બાળકની કસ્ટડી સાથે સજા વોરંટ ભરવાનો પણ હુકમ કર્યો છે અને જેલ ઓથોરિટીને બાળકની ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવી તેની માતા સાથે જેલમાં રાખવા અને બાળકની પૂર્તિ કાળજી રાખવા, ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા દેખરેખ હેઠળ રાખવા જેલરને યાદી પાઠવતો હુકમ કર્યો છે. આ સાથે વધુમાં જણાવ્યું છે કે, આરોપીઓ સ્વેચ્છિક રીતે બાળકનો કબજો કોઈ સગા સંબંધીને સોંપવા માંગતા હોય તો તેની પૂર્તિ ખરાઈ કરી અને બાળકના શ્રેષ્ઠ હિતમાં હોય તે રીતે ચાઈલ્ડ વેલફેર કમિટી પાસે તપાસ કરાવી રિપોર્ટ લઈ અને બાળકનો કબજો સોંપવા માટેની કાર્યવાહીનો પણ હુકમ કર્યો છે.