ઉંઝાઃ 1868 વર્ષથી નિજ મંદિર ઉંઝામાં બિરાજમાન મા ઉમિયાની નગરયાત્રા વૈશાખ સુદ પૂનમે નીકળે છે .સમગ્ર ઉંઝા નગર આ દિવસે મા ઉમિયાની ભકિતના રંગે રંગાશે અને રજા પાળશે. તા.23-05-2024ને ગુરૂવારે સવારે 8.15 કલાકે નગરયાત્રાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાજુ રાવલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ઉંઝામાં ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુ પટેલ, મહેસાણાના કલેકટર હાજરી શોભાવશે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
વૈશાખ સુદ પૂનમઃ મા ઉમિયાની પ્રતિ વર્ષે નીકળતી પરંપરાગત નગરયાત્રા વૈશાખ સુદ પૂનમના રોજ તા.23-05-2024ના રોજ ભવ્યાતિભવ્ય રીતે નીકળશે. જેમાં ધાર્મિક ભાવના ધરાવતા ભકત મંડળો, મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ તેમજ બહેનો સંસ્થાના કારોબારી સભ્યઓ, દાતાઓ તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ-મુંબઈ, ગુજરાત જેવા વિવિધ વિસ્તારોમાંથી મા ઉમિયાના ભકતો નગરયાત્રામાં જોડાશે. મા ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્યરથમાં બિરાજમાન થઈ ઉંઝા નગરના માઈભકતોને દિવ્ય દર્શન આપવા શહેરના રાજમાર્ગો ઉપર પરિક્રમાએ નીકળશે.
ઉંઝામાં રજાઃ મા ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી, મહોલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજબજાર, અન્ય બજારો અને રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી, સાડીઓ બિછાવીને તેમજ ઠેરઠેર માતાજીની આરતી અને પૂજન માઈભકતો દ્વારા કરાશે. તમામ જ્ઞાતિ-જાતિના સમાજો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ સહિત આગેવાનો મા ઉમિયાને આવકારવા થનગની રહ્યા છે. સમાજો-સંસ્થાઓ-ગુપો પોતાના સ્વાગત પડદાઓ/કમાનો લગાવશે. નગરયાત્રાના દિવસે સમગ્ર ઉંઝાવાસી વેપાર-ધંધા બંધ રાખીને મા ઉમિયાના ઉત્સવમાં ભકિતભાવથી જોડાશે.
વિવિધ આકર્ષક ઝાંખીઃ નગરયાત્રાની વિવિધ ઉછામણીના યજમાન બનવા અને ભોજન-બુંદી પ્રસાદના દાતા બનવા ભકતોએ ઉત્સાહ-ઉમંગભેર ભાગ લીધો, મા ઉમિયાની નગરયાત્રામાં હાથી, ધોડા, વિવિધ પ્રકારની બગીઓ તેમજ આરોગ્ય, સુખાકારી અને જનહિતાયના સૂચક ટેબ્લો સહિત અમદાવાદ સોલા ઉમિયાધામ, શ્રી ઉમિયા મંદિર શિખર ધજા મહોત્સવ અને શ્રી ઉમિયા શરણમ્ મમ ના ટેબ્લો વિગેરે જનસમુદાય માટે વિશેષ આકર્ષણ બનશે. આમ જુદી-જુદી ૧૬૫ જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત હશે. સમગ્ર નગરયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન સંસ્થાના સક્રિય કાર્યકર્તાઓ તેમજ ઉમા માઈ મંડળની સમગ્ર ટીમ સંભાળશે. બહેનો ઝવેરા વાવશે અને મહેંદી મૂકીને મા ઉમિયાના રંગે રંગાશે.
મા ઉમિયાની પ્રતિ વર્ષે નીકળતી પરંપરાગત નગરયાત્રા વૈશાખ સુદ પૂનમના રોજ તા.23-05-2024ના રોજ ભવ્યાતિભવ્ય રીતે નીકળશે. સવારે 8.15 કલાકે નગરયાત્રાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાજુ રાવલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ઉંઝામાં ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુ પટેલ, મહેસાણાના કલેકટર હાજરી શોભાવશે...દિલીપ પટેલ(મંત્રી, ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા)