અમદાવાદ: જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેમને નાગરિકતા પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019 માં સીટીઝનશીપ અમેન્ટમેન્ટ એક્ટ સંસદમાં પાસ કર્યો હતો. સીએએ અંતર્ગત પાકિસ્તાનથી ભારતમાં આવેલા નિરાશ્રીતોને નાગરિકતા આપવામાં આવે છે. અમદાવાદ બોડકદેવ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આયોજીત આ સમારોહ પડોશી દેશોમાં દમનનો ભોગ બનેલા આવા વ્યક્તિઓના કલ્યાણ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તેમને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સભામાં સંબોધન કરતા જણાવ્યું કે આજે ઐતિહાસિક દિવસ છે. પાકિસ્તાનથી અત્યાચાર સહન કરીને આવેલા શરણાર્થી આજે આપણા પરિવારમાં ભળી ગયા છે. નરેન્દ્ર મોદી સરકારે સીએએ કાયદો પાસ કરીને લાખો શરણાર્થીને ન્યાય અને અધિકાર આપ્યા છે.
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે કોંગ્રેસના લાંબા શાસન દરમિયાન પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લાખો હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ શરણાર્થીઓને દશકો સુધી ન્યાય મળ્યો નથી. ભારતનું વિભાજન ધર્મના આધારે થયું હતું. ભાગલા સમયે હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખોને ભારતીય નાગરિકતા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પહેરેલા કપડે આવેલા શરણાર્થીઓ ગાંધીધામમાં લારીઓ ચલાવવા મજબૂર બન્યા હતા.
ભાગલા સમયે શરણાર્થીને કરેલો વાયદો કોંગ્રેસ થોડા સમય બાદ ભૂલી ગઈ હતી. કોંગ્રેસના વોટ બેન્ક અને મુસ્લિમ તુષ્ટિકરણને કારણે હિન્દુઓને હિન્દુસ્તાનમાં નાગરિકતા મળી નહીં. હિન્દુઓ હિન્દુસ્તાનમાં નિરાશ્રીત તરીકે રહેવામાં મજબૂર બન્યા છે. કોંગ્રેસે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા કરોડો બાંગ્લાદેશી મુસલમાનોને નાગરિકતા આપી છે. જ્યારે વર્ષોથી અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આવેલા હિન્દુઓને નાગરિકતા મળી નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે CAA માં કોઈની નાગરિકતા છીનવાશે નહીં. 2019 માં મને સાંસદમાં સીએેએ કાયદો રજૂ કરવાની તક મળી હતી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને આ તક મળી હતી. સીએએ કાયદાથી કોઈપણ મુસ્લિમ નાગરિકને નાગરિકતા છીનવાશે નહીં આ કાયદો નાગરિકતા આપનાર કાયદો છે નાગરિકતા છીનવનાર નહીં.
વર્ષ 1995 થી આવેલી મહિલાને અત્યાર સુધી નાગરિકતા મળી નથી. આજે તેમને નાગરિકતા પ્રમાણપત્ર મળશે. ભાગલા સમયે બાંગ્લાદેશમાં 27 ટકા હિન્દૂ હતા. જે આજે માત્ર 9 ટકા રહ્યા છે. તેમના પર દમન અને બળજબરી ધર્મ પરિવર્તન થાય છે. મોદી સરકાર તેમને નાગરિકતા આપવા પ્રતિબદ્ધ છે.
મોદી પીએમ પદના ઉમેદવાર જાહેર થયા ત્યારે કહ્યું દેશનું લોકતંત્ર પરિવારવાદ, ભ્રષ્ટાચાર, જાતિવાદ, તુષ્ટિકરણમાં ફસાયું હતું. તેમણે દરેક નાગરિકો માટે સમાન તક ઊભી કરી છે.
અયોધ્યા રામ મંદિર, ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથ મંદિર, મોહમ્મદ બેગડાએ તોડેલું પાવાગઢ મંદિરનો ફરીથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે. મોદી સરકારે કાશ્મીરને અન્યાય કરતી 370 કલમ દૂર કરી છે. નાગરિકતા પ્રમાણપત્ર મળતા હવેથી પાકિસ્તાની નિરાશ્રીતોના બાળકો સાંસદ અને ધારાસભ્ય બનશે. મને ગર્વ છે કે આજે 188 નાગરિકો આપણા પરિવારમાં ભળ્યા છે.
સભા સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું કે Caa અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે. આઝાદી સમયે અનેક હિન્દુ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહ્યા હતાં. મહાત્મા ગાંધીજીએ હિન્દુને ભારતીય નાગરિકતા આપીને તેમને વસાવવાની અપીલ કરી હતી. CAA નો લાભ લઈને 188 લોકો ભારતીય નગરિતા મળી છે. વિશ્વ એક પરિવાર છે તે ભાવના સફળ થઈ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના લઘુમતી સામુદાયને ભારતીય નાગરિક મળશે. દેશમાં શાંતિ અને અંતરીક સલામતી સ્થપાઈ છે.