છોટાઉદેપુર: જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સીમલી ગામના પ્રકાશભાઈ રાઠવાએ છેલ્લાં 8 વર્ષથી પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બગાયતી ખેતી કરી રહ્યા છે. તેઓ તેમના ભાઈ નવનીતભાઈ રાઠવા સાથે મળી આમ કુલ સાત સભ્યોના સંયુક્ત પરિવારમાં રહે છે. અને એકસાથે મળીને એક જ છત નીચે, એક જ રસોડે જમીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બગાયતી શાકભાજીની ખેતી કરી રહ્યા છે. આમ આ બંને જણા પ્રગતિશીલ ખેડૂત બની અન્ય ખેડુતો માટે પ્રેરણા રૂપ બન્યા છે.
પ્રકાશભાઈના પિતા વર્ષોથી પરંપરાગત ખેતી કરતાં હતાં. પરંતુ પ્રકાશભાઈએ પરંપરાગત ખેતી છોડી 8 વર્ષથી આધુનિક ટેકનોલોજી મુજબ ડ્રિપ, નેટ હાઉસ અને મલચિંગ પેપર પ્રદ્ધતિ દ્વારા ચાર એકર જેટલી જમીનમાં ડ્રેગનફ્રુટ, લીલા પીળા તરબૂચ, કાકડી, શક્કર ટેટી પપૈયા અને શાકભાજીના પાકો લઈને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે. આમ તેઓ પ્રાકૃતિક પ્રદ્ધતિથી બાગાયતી ખેતી કરીને બે પરિવારોને રોજગારી પૂરી પાડે છે.
પ્રાકૃતિક કૃષિ પ્રદ્ધતિ અપનાવી તેઓ શાકભાજી અને બાગયતી પાકોમાં ફક્ત જીવામૃત, ઘન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરું છું. રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરતાં નથી. જેથી તેમના તરબૂચ, શક્કર ટેટી, કાકડી, ડ્રેગન ફ્રૂટનો સ્વાદ ખૂબ સારો એવો છે.
આધુનિક ટેકનોલોજીથી ખેતીની સાથે પ્રાકૃતિક કૃષિ તરફ વળી તેમનો પરિવાર આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યો છે. પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રકાશભાઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વર્ષ 2021-22 નો પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમજ પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આવક વધારવાની સાથે તેઓ પ્રકૃતિના જતનના ભાગીદાર તો બન્યા જ પણ લોકોના સ્વાસ્થ્ય વિશે સજાગ રહી ઓર્ગેનિક ખેત ઉત્પાદનો કરી રહ્યા છે.
પીળા તરબૂચની ખેતી: પ્રકાશભાઇ રાઠવાએ ઉનાળામાં પોતાની 8 વિંઘા જમીનમાં બહારથી પીળા અને અંદરથી લાલ એવા વિશાલા અને અંદરથી પીળા રંગના આરોહી તરબૂચની વૈજ્ઞાનિક ઢબે ખેતી કર્યા બાદ ચોમાસાના જુલાઈ મહિનામાં કાકડીની ખેતી કરી હતી. આ દ્વારા તેમણે બમણી આવક મેળવી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.
કાકડીની ખેતી: લીલી કાકડી અને સફેદ કાકડીનું આધુનિક પ્રધ્ધતી થી વાવેતર કર્યું છે વાવેતર કર્યા બાદ 30 દિવસમાં કાકડીનો પાક તૈયાર થઈ જતાં અત્યાર સુધીમાં ત્રણ વીણી વીણીને માર્કેટમાં વેચાણ કર્યું છે. અન્ય ખેડૂતોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રકાશભાઇ રાઠવાના ખેતરની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે.
આ અંગે Etv bharat સાથે વાત કરતા પ્રકાશભાઇ રાઠવા જણાવે છે કે, 'સામાન્ય રીતે લીલી કાકડીના 20 કિલોના 200 રૂપિયા ભાવ મળે છે. જ્યારે સફેદ કાકડીના 150 જેટલા ભાવ મળે છે. એક એકરમાંથી 700 મણ કાકડીનો પાક ઉતરે છે.' આમ, 30 % ખર્ચ થતાં ત્રણ મહિનામાં એક લાખ રૂપિયા સુધીનો નફો મળવાનો અંદાજ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતીની સહાય મેળવી ખેતીમાંથી બમણી આવક મેળવી પ્રગતિશીલ ખેડૂત બની આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકે છે.
ડ્રેગન ફ્રૂટની ખેતી: ડ્રેગન ફ્રૂટ વિશે જણાવતા તેમને કહ્યું કે, 'મારી પાસે ડ્રેગન ફ્રૂટના 300 થી વધુ પોલ છે. એક પોલ ઉભો કરવા માટે રૂપિયા 1000 જેટલો ખર્ચ આવે છે. મેં રૂપિયા ત્રણ લાખથી વધુના ખર્ચે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. ડ્રેગન ફ્રૂટના છોડની વચ્ચે આંતરપાક તરીકે ચોળીનું વાવેતર કર્યું છે. જેથી જમીનનો પૂરતો ઉપયોગ થાય અને વધુ આવક મેળવી શકાય. ડ્રેગન ફ્રૂટમાં ફક્ત જીવામૃત, ઘન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. હું રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરતો નથી."
પ્રકાશભાઈએ આ વર્ષે ડ્રેગન ફ્રુટમાં સારો પાકા આવવાની આશા વ્યક્ત કરી છે. આમ, તેમને છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનિક અને બગાયતી ખેતી કરી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચો: