ખેડા: ડાકોર સ્થિત ભવન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષકે દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો બનાવ બન્યો છે. શાળાના વિદ્યાર્થીને કરાટે શિક્ષકે પોતાની પાસે બોલાવી ઉપરાઉપરી 7-8 થપ્પડ માર્યા હતા. વિદ્યાર્થીને કાનમાં દુખાવો તેમજ સોજો આવતા ત્રણેક દિવસ બાદ પિતાએ પૂછતા ડરી ગયેલા વિદ્યાર્થીએ સમગ્ર હકીકત જણાવી હતી. હકીકત જાણી વિદ્યાર્થીના પિતાએ શિક્ષકને અને સ્કૂલના મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. વાલીનો આક્ષેપ છે કે, શિક્ષક અને મેનેજમેન્ટે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી થાય તે કરી લેવાનું જણાવાયું હતું. આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષક વિરૂદ્ધ ડાકોર પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવી છે.
ડાકોરમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડો મારી: આણંદના ઉમરેઠ ખાતે રહેતા વ્યક્તિનો 13 વર્ષિય પુત્ર ડાકોરની ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે. જેને તારીખ 26 નવેમ્બર,2024 ના રોજ સ્કૂલના કરાટે શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું હતું. જે બાદ શિક્ષકે તેને પોતાની પાસે બોલાવીને ઉપરાઉપરી સાતથી આઠ થપ્પડ માર્યા હતા, જેને લઈ ડરી ગયેલા બાળકે ઘરે કોઈને કશું જણાવ્યું નહોતું.
કાનમાં દુખાવો અને સોજો આવતા પિતાએ પૂછતા હકીકત બહાર આવી: મારને કારણે થોડા દિવસો બાદ બાળકને કાનમાં દુઃખાવો થયો હતો. તેમજ કાન પર સોજો પણ આવી ગયો હતો. જેને લઈ તેના પિતાએ પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ પરિવાર તારીખ 3 ડિસેમ્બર, 2024 ના રોજ બાળકને ઉમરેઠ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે સારવાર કરીને બાળકને આરામ કરવા જણાવ્યું હતું.
શિક્ષક અને મેનેજમેન્ટ દ્વારા વાલી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન: મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, વિદ્યાર્થીના વાલીએ સમગ્ર બાબતે શિક્ષક રાજકુમાર સોનીને પૂછતાં તેમણે ઉશ્કેરાઈ જઈ તમારા પુત્રનો વાંક હોવાનું જણાવ્યું હતું. તેમજ તમારાથી જે થાય તે કરી લેજો તેમ જણાવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારબાદ વાલીએ સ્કૂલના મેનેજમેન્ટને રજૂઆત કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તેમ છતાં કોઈપણ કાર્યવાહી કરાઈ નહોતી. મેનેજમેન્ટે પણ તેમના સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે.
વાલી દ્વારા પોલીસ સ્ટેશને અરજી કરાઈ: રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં વાલીર પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેમાં તેમને જણાવ્યું કે, તેમનો પુત્ર શરીરે નબળો હોવાથી કરાટે શિક્ષકે થપ્પડો મારી છે તેના કારણે તેને ભવિષ્યમાં ડાબા કાનમાં ગંભીર ઊણપ આવી શકે તેમજ કાયમી બહેરાશ આવી જાય તેવી શક્યતાઓ છે. તેમને અરજીમાં એમ પણ જણાવ્યું કે, શિક્ષક અને સ્કૂલ મેનેજમેન્ટ રાજકીય પીઠબળ ધરાવે છે. આમ, ગત રોજ વાલી દ્વારા ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક રાજકુમાર સોની અને ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના મેનેજમેન્ટ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે.
આ બાબતે સ્કૂલના આચાર્ય વિધિ દવેએ જણાવ્યું હતું કે, 'શિક્ષક જવાબદાર હોવાથી વાલીની વાત અમે સાંભળી છે. મેનેજમેન્ટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાલીની સમક્ષ શિક્ષકનું માફીપત્ર લખાવી એ જ સમયે મેનેજમેન્ટ દ્વારા શિક્ષકને છૂટા કરવામાં આવ્યા છે તેમણે રિઝાઈન કપણ આપી દીધું છે.'
આ પણ વાંચો: