ભાવનગર: ટેકનોલોજીના સમયમાં દરેક વ્યક્તિઓ શુદ્ધ શોધે છે ત્યારે ગુજરાત બહારનો વ્યક્તિ ભાવનગરમાં રોજીરોટી મેળવવા આવે છે. ભાવનગરીઓની નાડ પારખીને વ્યવસાયનો પ્રારંભ કરે છે. એક દાયકામાં ગુજરાત બહારનો વ્યક્તિ ગુજરાતી શીખી ગયો અને પોતાના વ્યવસાયને આગળ પણ ધપાવી ગયો છે. આજે ગુજરાતીઓ તેને ત્યાં શુદ્ધતા મળી રહેશે તેવા આશયથી તેના ગ્રાહક પણ બની ગયા છે.
રાજસ્થાનના ગંગાપુરનો યુવક દસકા પહેલા આવ્યો: ભાવનગરના આંગણે રોજીરોટી કમાવવા માટે એક દાયકા કરતા વધુ સમય પહેલા સુરેશ નામનો શખ્સ ભાવનગર પોહચ્યો હતો. જાહેર રસ્તા પર કમાણી માટેનો પ્રારંભ પોતાની આવડત પ્રમાણે શરૂ કર્યું. ગામડાનો માણસ હોવાથી તલની સાની બનાવવાની શરૂઆત ભાવનગર રાજકોટ હાઇવે ઉપર કરી હતી. ભાવનગરીઓની માંગ દેશી અને શુદ્ધતા જોઈને તેને બળદના સથવારે દેશી ઘાણીમાં સાની બનાવવાનો પ્રારંભ કર્યો. આજે એક દાયકામાં તેનો વિકાસ મશીન સુધી પહોંચી ગયો છે.
પહેલા બળદ અને બાદમાં બાઈકનો ઉપયોગ: ભાવનગર રસ્તા પર સાની બનાવતા રાજસ્થાની યુવક સુરેશભાઈએ જણાવ્યું હતું કે,'હું રાજસ્થાનથી આવું છું. હું ભાવનગરમાં 2010-11 માં આવ્યો હતો. સાની બનાવવા માટે પહેલા અહીંયા બળદવાળી ગાડી લઈને આવ્યો અને બળદવાળી બનાવતો હતો. આના પછી હોન્ડા લગાડી બળદીયાની જગ્યાએ, પછી હોન્ડાથી ચલાવતો હતો અને પછી હવે મશીન લઈને આવ્યો.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'આજે સાની તમારી નજર સામે જ બનાવી આપું છું. સાની કાળા તલની બનાવું અને સફેદ તલની પણ બનાવું છું. મશીન લઈને આવ્યો પણ પહેલા બળદીયામાં લાકડાની સાની હતી એટલે આપણે મશીનમાં જે પીલાય ત્યાં લાકડું મુક્યું એટલે દેશી ઘાણી જેવો જ સ્વાદ આવે. મૂળ ગામ રાજસ્થાન ભીલવાડા ડિસ્ટ્રીકટનું ગંગાપુર ગામ છે. ભાવનગરમાં સાનીનું વહેચાણ સારું થાય એટલે અહીંયા આવ્યો છું, રાજસ્થાનમાં પરીવાર ખેતીવાડી પણ કરે છે.'
લોકોને આવ્યો રાજસ્થાની યુવક પર ભરોસો: સુરેશભાઈને એક દાયકામાં અનેક ગ્રાહકો ફિક્સ થઈ ગયા છે. ત્યારે એવા એક ગ્રાહકોએ પોતાના મત રજુ કર્યા હતા. ઠાકરશીભાઈ ખડેલાએ જણાવ્યું હતું કે,'હું આ સાની સુરત મોકલાવું છું પણ મારી પોતાની 5 કિલો સાની દર વર્ષે કઢાવું છું. પછી સુરત મારા વેવાઈને મોકલાવું છું, આજુબાજુમાં મિત્રો માટે પણ સાની કઢાવું છું. પોતેજ આવું છું, સુરેશભાઈ મને ઓળખે છે, અહીંયા કાઢવાનું કારણ એ છે કે તેઓ અહીંયા નજર સામે પરફેક્ટ સાની કાઢી આપે છે.'
10 વર્ષથી સાની બનાવડાવતા ગ્રાહકો: વર્ષોથી સાની બનાવડાવતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, 'હું અહીંયા 10 વર્ષથી આવું છું. હું સાની કઢાવવા માટે આવું છું. 10 થી 12 કિલોની સાની કઢાવું છું. આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ ઉભા રહે છે. ક્યારેક નારી ચોકડી પર હોય છે અને ક્યારેક દેસાઈનગર હોય છે, તો ક્યારેક ચિત્રા મસ્તરામ બાપા મંદિર સામે હોય છે, આજે એસટી વર્કશોપની સામે છે. ચિત્રા અને એનું કામ બહુ સારું છે. તેઓ સાની કાળા તલની કાઢે છે, દેશી પદ્ધતિથી એટલે કે બળદથી સાની કાઢતા અને ત્યાર પછી મોટરથી સાની કાઢે છે પણ હું બળદથી સાની કાઢતા ત્યારથીવ આવું છું અને પછી તેમણે ગાડી પર સાની કાઢતા અને અત્યારે એની મોટરનું મશીન બનાવી નાખ્યું છે.'
આ પણ વાંચો: