ઉના: ગીર સોમનાથના ઉના શહેરમાં આવેલી ગાયત્રી વિદ્યાલયમાં ધોળા દિવસે એક સિંહણે આવી અને શાળા પરિસરમાં જ મારણ કર્યાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. શાળા ચાલુ હતી આ દરમિયાન અચાનક એક સિંહણ પરીસરમાં પહોંચી હતી અને અહીં શાળાના બિલ્ડિંગમાં આંટાફેરા કરીને શાળાની અંદર જ મારણ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. શિક્ષકોએ શાળાના તમામ દરવાજા બંધ કરીને સિંહણને શાળામાં પ્રવેશતા અટકાવી હતી, જેનો વિડીયો શાળામાંથી કોઈએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
શાળામાં શિક્ષણ ચાલુ હતુ અને સિંહણ પહોંચી
સોમનાથના ઉના શહેરમાં આવેલી ગાયત્રી વિદ્યાલયમાં આજે શાળા ચાલુ હતી. આ સમયે એક સિંહણ અચાનક આવી ચડી હતી. સિંહણે શાળાના બિલ્ડિંગમાં આંટાફેરા મારીને શાળા સંકુલમાં જ મારણ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. સિંહણ શાળામાં પ્રવેશી હોવાની જાણ થતા જ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ વર્ગખંડની અંદર પ્રવેશવાના તમામ દરવાજા બંધ કરતા સિંહણ શાળાના પગથિયા પર ચડતી અને ઉતરતી જોવા મળી રહી છે.
શાળાના સંકુલમાં સિંહના આટાંફેરા
ઉના પંથકમાં સિંહની હાજરી એકદમ સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ રીતે દિવસ દરમિયાન કોઈ સિંહ પરિવારના સભ્ય ગામમાં કે શાળા સંકુલ સુધી પહોંચી ગયા હોય તેવી કદાચ પાછલા ઘણા વર્ષોની આ પ્રથમ ઘટના હશે. અચાનક એક કદાવર સિંહણ શાળા સંકુલમાં પ્રવેશતી જોવા મળે છે, જેને કારણે શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ એકદમ ભયની સાથે સતેજ થઈ ગયા હતા અને જરા પણ સમયનો બગાડ કર્યા વગર વર્ગખંડમાં પ્રવેશવાના તમામ દરવાજા બંધ કરી દેતા સિંહણ શાળાની અંદર વર્ગખંડમાં પ્રવેશી શકી ન હતી. પરંતુ શાળા પરિસરમાં જ રહેલા એક પ્રાણીને શિકાર બનાવીને સિંહણે શાળામાં જ ભોજનની મીજબાની માણી હતી.
શાળાના પરિસરમાં સિંહણે કર્યું મારણ
ગાયત્રી વિદ્યાલયના ટ્રસ્ટી મુકેશ જોશી એ ETV Bharat સાથે એક્સક્લુઝિવ ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર વિગતો આપી હતી. સવારના 6:30 થી 6:45 ની વચ્ચે સિંહણ મારણ પાછળ દોડતી દોડતી આવી રહી હતી. આ સમયે શાળાનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. જેથી સિંહણ અને મારણ બંને શાળામાં પ્રવેસી ગયા. સિંહણ શાળામાં આવતા જ શાળાના શિક્ષક અને પટાવાળા બહેને બહારથી શાળાનો દરવાજો બંધ કરી દીધો ત્યાર બાદ સિંહણ શાળામાં આવી છે તેની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમે તુરંત શાળા પરિસરમાં પહોંચીને સિંહણને શાળા પરિસરમાંથી બહાર કાઢીને જંગલ વિસ્તારમાં મોકલી આપી હતી. 60 મિનિટ સુધી ચાલેલા આ ઘટનાક્રમમાં શાળા પરીસરમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના જીવ પણ પડીકે બંધાયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ સિંહણ પરત ગામની બહાર જતા શાળાના શિક્ષકો ગામ લોકો અને વિદ્યાર્થીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.
આ પણ વાંચો: