રાજકોટ: આટકોટ ખાતે આવેલી ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીનીને ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યા બાદ ટ્રસ્ટીને જાણ થતાં આવાં કૃત્ય અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાન સામે ગુનો નોંધાવ્યો હતો અને ગુનો નોંધાતા જ બંને વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે આ મામલામાં જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમાના મધુ ટાઢાણીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિ હજૂ પણ ફરાર છે તેવી માહિતીઓ સામે આવી રહી છે.
આરોપીને ઝડપવા ટીમ તૈનાત: આ મામલે રાજકોટ ગ્રામ્ય DYSP કિશોરસિંહ ઝાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ઝડપાયેલ વ્યક્તિના બે દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે છે જ્યારે અન્ય એક વ્યક્તિને ઝડપી લેવા માટે 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે. આ સાથે જ અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે આ પ્રકારનું દુષ્કર્મ થયું હતું કે કેમ તેમાં પણ DYSP એ કહ્યુ કે, એવી કોઈ કબૂલાત આરોપીએ આપી નથી.
એક આરોપીની ધરપકડ: રાજકોટ ગ્રામ્ય DYSP કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગત તા. 25 જુલાઇ, 2024ના મહિલાએ દુષ્કર્મની ફરીયાદ કરી હતી. ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં મધુ ઉર્ફે મધુકાન્ત ટાઢાણીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, મધુ ઉર્ફે મધુકાન્ત ટાઢાણી અને ગ્રામ્ય પોલીસના નિવેદનમાં ફેરફાર જોવા મળ્યો હતો. દુષ્કર્મના ગુનામાં જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તે મધુએ અગાઉ જ વીડિયો વાઈરલ કરીને કહ્યું હતું કે, હું સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થાઉ છું. જ્યારે ગ્રામ્ય પોલીસે પ્રેસમાં કહ્યું, ઝડપાયેલ વ્યક્તિને અમે ભરૂડી ટોલનાકાથી ઝડપી પાડયો છે.
કોર્ટે અરજી ફગાવી: વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મધુ ઉર્ફે મધુકાન્ત ટાઢાણીના અગાઉ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા. વધુ રિમાન્ડ માંગની કોર્ટે અરજી ફગાવતા આરોપીને જેલ હવાલે કરવામા આવ્યો છે. જોકે, દુષ્કર્મનો અન્ય એક વ્યક્તિ પરેશ રાદડિયા ફરાર હોવાથી તેની શોધખોળ મામલે 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે. આ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયાના બીજા દિવસે જ આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. જેમાં 5 ઓગસ્ટની તારીખ પડી હતી. પરંતુ કોર્ટમાં બીજી તારીખ આપી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ડિ.વાય.એસ.પી.નું નિવેદન: આ ઉપરાંત DYSP એ જણાવ્યું હતું કે, વધુ વિધાર્થિનીઓ ભોગ બની હોઈ તે પ્રકારની રજૂઆત અમારા સુધી નથી આવી. આ સાથે જ તેમણે કહ્યુ કે, કે. ડી. પરવાડીયા હોસ્પિટલ ખાતે દુષ્કર્મની ઘટના નથી બની. ઉલ્લેખનીય છે કે, હાલ બન્ને આરોપીઓએ રાજકોટ સેશન્સ કોર્ટ આગોતરા જામીન અરજી મૂકી છે. ઉપરાંત આ વ્યક્તિએ દુષ્કર્મનો સ્વીકાર કર્યો છે કે નહીં એવું પૂછવામાં આવતા પણ DYSP એ તપાસ ચાલુ છે એવો જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે આટકોટ દુષ્કર્મ કેસમાં વોન્ટેડ ભાજપનો એક આગેવાન ઝડપાયો હતો. પાંચવડા ગામનો પૂર્વ સરપંચ અને ભાજપ આગેવાન મધુ ટાઢાણીની ગ્રામ્ય એલ.સી.બી. એ શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. મધુ ટાઢાણી ફરિયાદ થયાથી ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં નાચતો ફરતો હતો. જોકે જિલ્લા પંચાયતના સભ્યનો પતિ પરેશ રાદડીયા હજુ પણ ફરાર છે.
રાજકોટના આટકોટ નજીક આવેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગત 27 જુલાઈએ આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જસદણના પાંચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું હતુ . પીડિતાએ જણાવ્યું હતું કે તેણે 5 વર્ષ પહેલાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં એડમિશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી.
એડમિશન લીધા બાદ વિદ્યાર્થિનીને 2021 માં ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રેક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ આ ઈસમો દ્વારા ટોર્ચરિંગ શરૂ કરી અવાર નવાર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતી હતી. બદનામ કરી દઈશ અને પરિવારને જીવતા નહીં રહેવા દઉં, એવી ધમકી આપી વિદ્યાર્થિનીને ફસાવી હતી.
સતત ત્રણ વર્ષ સુધી બન્ને વ્યક્તિઓ દ્વારા વારાફરતી અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેવી બાબત સામે આવી છે. આ બાબતમાં અંતે તેમના ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બન્ને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ગત દિવસે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ કરેલી પત્રકાર પરિષદમાં તેમની સામે આક્ષેપ થયા છે તેવું જણાવ્યું છે. જો કે આ બાબતમાં પોલીસ ફરિયાદ નોંધાય છે તેને લઈને ભાજપના આગેવાનો આ મામલામા સામેલ છે તેને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.