મોરબીઃ ગુજરાતમાં ઠેરઠેર જાણે ડ્રગ્સ અને દારુ જેવા નશીલા પદાર્થો મળવા રોજીંદી ઘટના બની ગઈ હોય તેવું છે. તે દિવસો દૂર નથી જ્યાં માતાપિતાએ ચિંતા કરવી પડશે કે સંતાન ક્યાંક આ રવાડે ના ચઢી જાય. ડ્રગ્સનો નશો ન માત્ર શારીરિક રીતે પણ આર્થીક, પારિવારીક, સામાજીક અને ખુદ વ્યક્તિને પણ પુરા કરી દેવા સુધીની સ્થિતિ ઊભી કરી શકે છે. હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે ૭૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ ૪૧ હજાર, ૩ મોબાઈલ ફોન અને કાર સહીત કુલ રૂ ૧૩.૪૮ લાખનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અમદવાદથી મોરબી લઇ આવતા હતા ડ્રગ્સ
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદથી મોરબી તરફ કારમાં બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. તેમજ વાહન ચેકિંગ કરતા હોય ત્યારે હળવદ નજીક શક્તિનગર મંદિર સામે રોડ પરથી બ્રેઝા કાર જીજે ૩૬ એસી ૪૩૨૫ ને રોકી તપાસ કરતા કારમાંથી કલ્પેશ ઉર્ફે લાલો મધુભાઈ નિમાવત રહે ગ્રીન ચોક મોરબી અને અહેમદ દાઉદ સુમરા રહે વિસીપરા મેઈન રોડ એમ બે ઇસમોને ઝડપી લીધા હતા.
૧૩ લાખથી વધુનો મુદામાલ ઝડપાયો: જે આરોપીઓના કબજામાંથી મેફેડ્રોન જથ્થો વજન ૭૯ ગ્રામ ૬૮ મીલીગ્રામ મળી આવતા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ કીમત રૂ ૭,૯૬,૮૦૦ રોકડ રૂ ૪૧,૦૦૦ ૩ મોબાઈલ કીમત રૂ ૧૧ હજાર અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૧૩,૪૮,૮૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજી ટીમે કામગીરી કરી: મોરબી એસઓજીની આ કામગીરીમા પીઆઈ એમ પી પંડ્યા, પી એસ આઈ કે આર કેસરિયા, રસિકભાઈ કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, આસિફભાઈ ચાણકીયા, કમલેશભાઈ ખાંભલીયા, અકુરભાઈ ચાચુ અને અશ્વિનભાઈ લાવડીયા સહિતની ટીમે કરી હતી. તેમણે માહિતી મેળવવાથી લઈને આરોપીઓના કોલર સુધી પહોંચવાની જહેમત કરી તેમને પકડી પાડ્યા હતા.