જામનગર: શહેરમાં આવેલ માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ વિસ્તારમાં હાઇકોર્ટ દ્વારા નો હોકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. છતાં પણ તંત્ર દ્વારા આ હુકમની અમલવારી કરવામાં ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નો હોકિંગ ઝોનની અમલવારીની માંગ સાથે 300 જેટલા વેપારીઓ દ્રારા દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કરાયો હતો. બાદમાં રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પત્ર અપાયું હતું.
ગેરકાયદે દબાણ હટાવવા આવેદન પત્ર: આવેદન પત્રમાં જણાવાયા અનુસાર, જામનગરમાં દબાણ મામલે તંત્રને અવારનવાર જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. બર્ધન ચોક સહિતના વિસ્તારમાં દબાણના પાપે જો કોઈને ઇમર્જન્સી સેવાઓની જરૂર પડે તો તે પહોચી શકે તેમ ન હોય તેવી સ્થિતિ છે. 108 અને ફાયર ફાઈટર આ ઇમરજન્સી સેવાઓ ગેરકાયદેસરના દબાણના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકે તેમ નથી. તંત્રની બેદરકારીના પાપે સામન્ય માણસનો જીવ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરત અગ્નિકાંડ, અમદાવાદ અગ્નિકાંડ, મોરબીનો ઝુલતો પુલ અને રાજકોટ T.R.P ગેમઝોન સહિતની દુર્ઘટનાઓ સામે છે. ત્યારે આ વિસ્તારમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગેરકાયદે દબાણ હટાવવા આવેદન પત્રમાં જણાવાયું છે.
જામનગરનું તંત્ર ઘોર નિદ્રામાં છે? વધુ માહિતી મળતા જાણવા મલાયું છે કે, અહી ગામડાઓમાંથી પણ બહેનો ખરીદી અર્થે આવતી હોવાથી આ વિસ્તારના મહિલા યુરીનલ બનાવવામાં આવ્યું હતું. જેને પણ તોડી પાડવામાં આવ્યું છે. છતાં પણ જામનગરનું તંત્ર ઘોર નિદ્રામાં છે કે પછી બેદરકાર છે? આમ અનેક સમસ્યા સામે ઝઝુમતાં વેપારી અને સ્થાનિકોની પરિસ્થિતિ પારખી અમલવારી કરાવવા માંગ ઉઠી છે. વધુમાં જો આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે.