જુનાગઢ: આજે ભાદરવી અમાસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગત મધ્યરાત્રીથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ ગિરનાર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડ ખાતે અવિરત આવી રહ્યો છે. આજે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પિતૃ તર્પણ કરીને સોમવતી અમાસની ઉજવણી કરી રહ્યાં છે.
24 કલાક શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું આયોજન: ત્યારે પિતૃ તર્પણ માટે જૂનાગઢ આવેલા પ્રત્યેક શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ મળી રહે તે માટે દાતારેશ્વર મંદિર દ્વારા ગરમા ગરમ પ્રસાદની વ્યવસ્થા અવિરત પણે 24 કલાક માટે આજના દિવસે કરવામાં આવી રહી છે જેનો હજારોની સંખ્યામાં તર્પણ કરવા માટે આવેલા શ્રદ્ધાળુ લાભ લઇ રહ્યા છે.
500 થી 700 કિલો ભજીયાનું આયોજન: દાતારેશ્વર યુવક મંડળ દ્વારા છેલ્લાં સાત વર્ષે ભાદરવી અમાસના દિવસે ખાસ પ્રસાદ માટેનો સ્ટોલ ઉભો કરવામાં આવે છે. અહીં પ્રત્યેક વ્યક્તિને ભરપેટ પ્રસાદ મળી રહે તે માટેનું આયોજન કરાયું છે. જેની પાછળ અંદાજિત 500 થી 700 કિલો ભજીયાનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે.
દાતારેશ્વર યુવક મંડળના યુવાનો પોતાની બચતમાંથી કરે દર વર્ષે આયોજન: આ અન્નક્ષેત્રની સૌથી મોટી વાત એ છે કે અહીં કોઈપણ શ્રદ્ધાળુ પાસેથી દાન ભેટ કે અન્ય કોઈ પણ આર્થિક સહયોગ લેવામાં આવતો નથી. માત્ર દાતારેશ્વર યુવક મંડળના યુવાનો દ્વારા વર્ષ દરમિયાન તેમની બચત માંથી આ અન્નક્ષેત્ર દર વર્ષે ભાદરવી અમાસના દિવસે શરૂ કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં તર્પણ કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ લઈને પોતાના સ્વજનોના આત્માના તર્પણની સાથે તેમની આંતરડીને પણ ઠારી રહ્યા છે.
આ પણ વાંચો: