જુનાગઢ: આજે ઓપરેશન વિજય (કારગીલ દિવસ) ની 25મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદના વતની હરેન્દ્ર ગીરી ગોસ્વામી પાકિસ્તાની ઘૂસણખોરો સામે યુદ્ધના મોરચે લડાઈ લડતા 28 જૂન 1999 ના દિવસે વીરગતિ પ્રાપ્ત કરી હતી. આજે શહીદ હરેન્દ્રગીરી ગૌસ્વામીનો પરિવાર તેમના ભાઈની દેશ કાજે વીરગતિને ખૂબ જ ગર્વ સાથે મહેસુસ કરી રહ્યો છે. હરેન્દ્ર ગીરીની તમામ યાદો આજે પણ ગૌસ્વામી પરિવારએ સાચવીને રાખી છે.
કારગિલ વિજય દિવસની ઉજવણી: વર્ષ 1999 માં પાકિસ્તાનથી ભારતના કારગીલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહેલા ઘૂસણખોરોને ખદેડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યો હતો. જેમાં ભારતના સૈનિકોએ ઘૂસણખોરોના તમામ ઇરાદાને નેસ્તનાબૂદ કરીને કારગિલ ક્ષેત્ર પર ભારતનો વિજય ધ્વજ ફરકાવ્યો હતો. ભારતના આ વિજય પાછળ સૈનિકોની સાથે વીરગતિને પ્રાપ્ત થયેલા અનેક સૈનિકોનું બલિદાન આજે પણ શિરમોર માનવામાં આવે છે. કારગીલ ક્ષેત્રમાં ઘૂસણખોરો સામે યુદ્ધના મેદાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહેલા જુનાગઢના હરેન્દ્ર ગીરી ગોસ્વામી 28મી જૂન 1999 ના દિવસે ઘુસણખોરોને ખદેડીને અંતે વીરગતિને પ્રાપ્ત થયા હતા. હરેન્દ્રગીરી ગોસ્વામીની આ દેશ સેવા આજે પણ સમગ્ર દેશ, રાજ્ય અને સાથે તેમનો પરિવાર પણ યાદ કરી રહ્યું છે.
હરેન્દ્ર ગીરીનો સેનામાં કાર્યકાળ: શહીદ 'હરેન્દ્ર ગીરી ગોસ્વામી' ભારતીય સેનામાં જોડાતા પૂર્વ તેઓ હીરા ઘસવાની સાથે પરિવારને મદદ થઈ શકે તે માટે રીક્ષા ચલાવતા હતા. 11 વખત ભારતીય સેનામાં સામેલ થવા માટે અસફળ રહેલા હરેન્દ્ર ગીરી ગોસ્વામીની મહેનત બારમાં પ્રયત્ને સફળ થઈ. જામનગર ખાતે ભારતીય સેનાની પસંદગીમાં તેઓ સફળ રહ્યા, અને એક વર્ષની તાલીમ પૂર્ણ કરીને તેમને ભારતના સૌથી ઠંડા દ્રાસ વેલીમાં ભારતીય સેનામાં 12 મહાર રેજીમેન્ટમાં સિપાઈ તરીકે ફરજ પર મોકલવામાં આવ્યા હતા.
કારગિલ યુદ્ધ પૂર્વે રજા પર આવવાના હતા હરેન્દ્ર ગીરી: પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કારગીલ વિસ્તારમાં ઘૂસણખોરી શરૂ થતા પૂર્વે હરેન્દ્રગીરી ગોસ્વામીએ દ્રાસવેલી માં તેમની ત્રણ વર્ષની નોકરી પૂરી કરી હતી. થોડા જ દિવસોમાં તેમને ભારતીય સેનામાં પીચ વિસ્તાર તરીકે ઓળખાતા સ્થળ પર ફરજ પર હજાર થવાનું હતું. આ એવો વિસ્તાર છે કે જ્યાં યુદ્ધની કોઈ સ્થિતિ જોવા મળતી ન હતી પરંતુ આ જ સમયે કારગિલના વિસ્તારમાં પાકિસ્તાની ઘુસણખોરો દ્વારા ઘૂસણખોરી કરવામાં આવતા હરેન્દ્ર ગીરી ગોસ્વામીની રજાઓ રદ કરીને તેમને યુદ્ધના મોરચે ઓપરેશન વિજયમાં કારગીલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ ખૂબ જ મક્કમતાપૂર્વક પાકિસ્તાની ઘુસણખોરોનો ન માત્ર સામનો કર્યો પરંતુ ઘુસણખોરોને ઈંટનો જવાબ પથ્થરથી આપીને ભારતીય સેનાનું ગર્વ જાળવતા 28 જૂન 1999 ના દિવસે ભારતીય સરહદને સાચવીને હરેન્દ્ર ગીરી ગોસ્વામીએ વીરગતિ પ્રાપ્ત કરી.
પરિવારે કર્યું હતું વેવિશાળ નું આયોજન: ભારતના સૌથી ઠંડા દ્રાસવેલી સેક્ટરમાં ત્રણ વર્ષની સફળતાપૂર્વક દેશ સેવા પૂર્ણ કરીને હરેન્દ્ર ગીરી ગોસ્વામી પીચ વિસ્તારમાં દેશ સેવા માટે આવવાના હતા. આ સમય દરમિયાન ગૌસ્વામી પરિવારએ નરેન્દ્ર ગીરીના વેવિશાળ (સગપણ) નું પણ નક્કી કર્યું હતું. રજાઓ શરૂ થતા પૂર્વે જ કાશ્મીરના અને કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાની ઘુસણખોરો દ્વારા ઘુસણખોરી શરૂ થતા, 12 મહાર રેજીમેન્ટને આ વિસ્તારનો ખૂબ સારો અનુભવ હોવાને કારણે યુદ્ધના મોરચે રેજીમેન્ટને મોકલવાનું નક્કી થયું. જેમાં સિપાઈ તરીકે હરેન્દ્ર ગીરી ગોસ્વામીને પણ જવાનું થયું. પીચ વિસ્તારમાં નોકરી અને રજાઓના સપનાની વચ્ચે હરેન્દ્ર ગીરી ગોસ્વામીએ કારગીલ યુદ્ધના મોરચે જતા પૂર્વે એક અઠવાડિયા પહેલા તેમના મોટાભાઈ મહેન્દ્રગીરી ગોસ્વામી સાથે ટેલિફોનિક વાત કરી હતી. આ દરમિયાન "તેમણે જણાવ્યું હતું કે, તેમની રજા કેન્સલ કરી છે અને તેઓ યુદ્ધના મોરચે બારામુલા અને કારગીલ ક્ષેત્રમાં જઈ રહ્યા છે." આ હરેન્દ્રગીરીની તેમના પરિવાર સાથેની અંતિમ વાતચીત થઈ હતી. ગોસ્વામી પરિવાર આજે હરેન્દ્ર ગીરીની દેશ સેવાને ખૂબ જ ગર્વભેર યાદ કરી રહ્યો છે. જેને ન માત્ર ભારત, ગુજરાત પરંતુ જૂનાગઢને પણ એક ગૌરવ અપાવ્યું છે.