અમદાવાદ: 1 મે 1960 એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, ઈતિહાસમાં આ દિવસે મહાગુજરાત આંદોલનના કારણે બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગલા પડ્યા અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ભાષાના આધારે અલગ થનારુ ગુજરાત ભારતનું બીજું રાજ્ય હતું.
ઇતિહાસકાર રિઝવાન કાદરીએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અસ્મિતા શબ્દ પહેલી વહેલી વખત રણજિતરામ બાબાભાઈ મહેતાએ આપ્યો હતો. જેને કનૈયાલાલ મુનશીએ આગળ ધપાવીને ગુજરાતની અસ્મિતાની આગવી ઓળખ આપી હતી. અસ્મિતામાં ચોક્કસ 'હું પણા'નો ભાવ છે ગુજરાતની ખરી ઓળખ નર્મદે આપી હતી. જય જય ગરવી નામની તેમની અમર રચનામાં તેમણે ભૌગોલિક વિસ્તાર પણ આખો દર્શાવ્યો હતો. પરંતુ તે સમયે ગુજરાત એક પ્રદેશ કે રાજ્ય તરીકે ન હતું, ખરા અર્થમાં જોઈએ તો 1920 માં જ્યારે નાગપુરમાં મહાસભા થયા પછી નક્કી થયું કે આઝાદીના સંગ્રામની અંદર વધારે લોકો જોડાઈ તે માટે જુદી જુદી પ્રાંતિક સમિતિઓ રચવી જોઈએ.
ગુજરાત પ્રાંતિક સમિતિની રચના થયા પછી ગુજરાતની એક અલગ રાજ્યની ભાવના વિકસી હતી. 1921 ના જાન્યુઆરી મહિનામાં ગુજરાત પ્રાંતિક સમિતિના પહેલા પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા અને ગુજરાત પ્રાંતિક સમિતિનું બંધારણ મહાત્મા ગાંધીએ ઘડ્યું હતું. દેશ આગળ વધતો ગયો આઝાદ થયો.
સ્વતંત્રતા પછી 1948માં મહાગુજરાત સંમેલન થયું હતું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી. આઝાદીના સંગ્રામની અંદર યુવાનોએ જે ભૂમિકા ભજવી હતી. તેવી જ ભૂમિકા ગુજરાત મહાગુજરાત ચળવળની અંદર યુવાનોએ ભજવી હતી. દ્વિભાષી રાજ્યની વાત આવી ત્યારે ગુજરાતના લોકોએ વિરોધ કર્યો અને ખાસ કરીને યુવાનોએ 1942 ના હિંદ છોડો આંદોલનમાં જે પ્રકારે યુવાનોએ જુસ્સો બતાવ્યો હતો તેવો જુસ્સો અમદાવાદના યુવાનોએ બતાવ્યો.
કોણ હતા મહાગુજરાત આંદોલનના પ્રણેતા ?
લો કોલેજથી નીકળેલું સરઘસ ગુજરાત કોલેજ પહોંચ્યું અને પછી એલિસ બ્રિજના છેડે આવ્યું અને તેમાં બીજા સરઘસો ભળતા ગયા પછી એલિસ બ્રિજ પાર કરીને તિલક બાગ વિક્ટોરિયા ગાર્ડન પહોંચ્યું ત્યારે સામેથી પણ બીજા સરઘસો જોડાયા અને ગુજરાત ક્લબ તરફ પહોંચ્યું. આઠમી ઓગસ્ટના રોજ અચાનક ગોળીબાર થયો અને મોટા પાયે આખા શહેરમાં તોફાનો શરૂ થયા અને મહાગુજરાતની માંગણી બળવત્તર બનતી ગઈ. મહાગુજરાત પરિષદની રચના થઈ અને આઝાદી સમયના જે મહાન લોક નેતાઓ હતા તેમાંથી ઈન્દુલાલ યાજ્ઞિકે આ આંદોલનની આગેવાની સ્વીકારી. સારંગપુરમાં મહાગુજરાત જનતા પરિષદની બેઠક યોજાઈ યોજાય અને મોટા પાયા પર આંદોલન શરૂ થયું. જેમાં નક્કી થયું કે બે રાજ્યો જુદા બનશે ગુજરાત અને મહારાષ્ટ્ર અને 1 મે 1960 ના રોજ સાબરમતી આશ્રમમાં હૃદય કુંજ પાસે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા આવ્યા.
જોકે ગુજરાતની પરિકલ્પના 1915 માં કલાગુરુ રવિશંકર રાવળ એ કરી હતી. તેમણે સુરત મુકામે મળેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં ચિત્ર બનાવ્યું હતું. એક ભાષા બોલતી ગુજરાતની પંચરંગી પ્રજા. લગભગ 54 જેટલા જુદા જુદા વિસ્તારના લોકોને તેમણે પ્રતિનિધિત્વ આપ્યું.
1960 માં બનેલ ગુજરાત જુદા જુદા ક્ષેત્રોની અંદર ગુજરાત આગળ વધવા લાગ્યું. 1956માં પણ દુકાળ, 2001 માં ભૂકંપ આવ્યો તેમ છતાં ગુજરાત અડીખમ રહ્યું અને આજે બાપુના ગુજરાત, સરદારના ગુજરાત તરીકે વિશ્વમાં ગુજરાતની એક આગવી ઓળખ બની છે. સમગ્ર વિશ્વમાં કોઈ વિસ્તાર એવો નહીં હોય જ્યાં ગુજરાતી વસ્તી નહીં હોય એટલે જ કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જય જય ગરવી ગુજરાત.