રાજકોટ: જેતપુર શહેરના નકલંક આશ્રમ રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો દ્વારા બંધ ઘરમાંથી સોના ચાંદીની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઈ હતી. જેમાં ફરીયાદમાં પુત્રીએ જ પરિણીત પ્રેમીને પૈસાની જરૂર હોવાથી પોતાના જ ઘરમાં ચોરી કરી તે દાગીનાઓ પ્રેમીને આપ્યાનું ખુલતા પોલીસે ચોરાયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
1,77,000 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી: જેતપુર શહેરના નકલંક આશ્રમ રોડ પર કેશરીનંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી ગૌસ્વામીએ ગત તારીખ 02 સપ્ટેમ્બર 2024 ના રોજ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ જૂનાગઢ એક પ્રસંગે ગયા હતા, ત્યારે ઘરે તેમની પુત્રી પૂનમ એકલી હતી. તેણી ઘરમાં તાળું મારી ચાવી ઘર બહાર બુટ ચપ્પલના સ્ટેન્ડ પાસે રાખી કામ પર ચાલી ગઈ હતી.
રમેશગીરી પુત્ર અને પત્ની સાથે ઘરે પરત આવતા ઘરનો તમામ સમાન વેરવિખેર હતો. અને ઘરમાં રહેલ કબાટ પણ ખુલ્લો હતો. કબાટમાં સૂટકેશમાં રાખેલ સોનાના સેટ, ચેન, પેન્ડલ, બિસ્કીટ તેમજ ચાંદીના સાંકળા સહિતના કુલ 5.5 તોલા સોનાના અને 400 ગ્રામ ચાંદીના દાગીના મળીને કુલ કિંમત 1,77,000 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી.
દિકરીએ જ કરી ચોરી: આ બનાવમાં ચોરીની ફરીયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં રૂમમાં રહેલ સૂટકેશમાંથી દાગીના ચોરાયા હતા તે સૂટકેશના ચેનના હુક સાથે કોઈ પણ બળ પ્રયોગના નિશાન ન હોવાનું F.S.L. રીપોર્ટ સામે આવ્યું હતું. તેમજે સૂટકેશના હુકમાં મારેલ તાળું મળતું ન હતું જેથી પોલીસે ઘરમાં તેમજ ઘરપાસે ઝીણવટભરી તપાસ કરતા તાળું મળી આવ્યું હતું. તાળા પર પણ કોઈ બળ પ્રયોગના નિશાન ન દેખાયા અને તાળાની ચાવી પુનમ પાસે હોય તે ચાવીથી તાળું ચેક કરતા સંપૂર્ણપણે તાળુ બંધ થતું હતું. જેથી પોલીસને પુનમ પર શંકા જતા તેણીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેની ચોરી કબૂલી લીધી હતી.
ત્રણ આરોપીની ઘરપકડ: આ યુવતીએ જણાવ્યું છે કે, જૂનાગઢ રહેતા તેના પરિણીત પ્રેમી હિમાલય ઉર્ફે મલય ગૌસ્વામીને પૈસાની જરૂરીયાત હોવાથી દાગીના ચોરીને તેને આપી દીધા છે. જેથી પોલીસે હિમાલયની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે 30 તોલા દાગીના જૂનાગઢમાં સોનીની દુકાન ધરાવતા જીગ્નેશ પાલાને વેચી દીધા હતા. બાકીના તેની બીજી સ્ત્રી મિત્ર કે જેની સાથે હિમાલયે લગ્ન કરવાનું જણાવ્યું તે ફાલ્ગુનીબેનને આપી દીધા હોવાનું સામે આવ્યું હતું.
જેથી પોલીસે પુનમ, હિમાલય અને સોની જીગ્નેશ પાલાની ધરપકડ કરી ચોરાયેલ તમામ મુદ્દામાલ જેમાં ઓગાળી નાખેલ સોનાનો ઢાળીયો સહિત કુલ 2.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણેય સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: