સુરત: છેલ્લા કેટલાક દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે ,રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, આરોગ્ય વિભાગ દ્વારા પણ બહાર તાપમાં ન જવા અને મહત્તમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. ગરમીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો અલગ અલગ વસ્તુઓનો સહારો લઈ રહ્યા છે.
સ્વિમિંગ પુલમાં ધુબાકા: મોટા ભાગના લોકો હાલના સમય માં વધારે પૈસા ખર્ચી વોટર પાર્ક અને ખાનગી સ્વિમિંગ પુલનો સહારો લઈ રહ્યા છે, ત્યારે કામરેજ તાલુકાના ગળતેશ્વર ગામે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરે બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલમાં ગરમીથી રાહત મેળવવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સ્વિમિંગ પુલમાં આવતું પાણી કુદરતી કાસ હતું, જે પાણી આગળ જઈ તાપી નદીમાં ભળી જતું હતું. જો કે મંદિર સંચાલકો દ્વારા ત્યાં સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો અને નજીવા દરે લોકો ને સુવિધા પૂરી પાડવામાં આવી. આ સ્વિમિંગપુલ કાળઝાળ ગરમીમાં લોકો માટે આશીર્વાદ રૂપ બન્યુ છે.
વૃદ્ધ મહિલા મજુબેનએ જણાવ્યું: ગરમીથી બચવા સ્વિમિંગ પુલમાં નાહવા આવેલ વૃદ્ધ મહિલા મજુબેનએ જણાવ્યું કે, "મે મારી જિંદગીમાં આવી ગરમી નથી જોઈ,જે રીતે ગરમી પડી રહી છે જેને લઈને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. પરિવાર સાથે ગળતેશ્વર મહાદેવ મંદિરના સ્વિમિંગ પૂલમાં નાહવા આવ્યા છીએ. અહીં ખૂબ જ સારું લાગી રહ્યુ છે."