ખેડા: જીલ્લાના માતર તાલુકાના મહેલજ ગામે કરંટ લાગતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો. આ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી ત્રણ વ્યક્તિઓને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે સારવાર મળતા એક વ્યક્તિનો બચાવ થયો હતો.
કરંટ લાગતા 3નાં મોત: આ કરુણ ઘટનામાં માતા-પુત્ર અને અન્ય એક યુવકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક યુવતીનો બચાવ થયો હતો. ઘટનાને પગલે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિત મામલતદાર અને માતર પોલિસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.પોલિસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શટર ખોલતા કરંટ લાગ્યો: આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, જે ઘરમાં બનાવ બન્યો હતો તેઓ ઘરમાં જ દુકાન ચલાવે છે જેની બાજુમાં વીજ થાંભલો આવેલો છે. વરસાદને કારણે વીજ થાંભલેથી શટરમાં કરંટ ઉતર્યો હતો.જેને પરિણામે ઘરના ત્રણ સભ્યોને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન એક યુવતી બાજુમાંથી પસાર થઈ રહી હતી અને તે પણ શટરના સંપર્કમાં આવતા તેણીને પણ કરંટ લાગ્યો હતો. આ તમામને સારવાર માટે ખેડાની ચરોતર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ત્રણ વ્યક્તિ યાસ્મીન પઠાણ,અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓને મૃત જાહેર કરાયા હતા.જ્યારે યુવતીનો સારવાર મળતાં બચાવ થયો હતો.
ધારાસભ્ય સહિત મામલતદાર અને પોલિસ પહોંચી: સમગ્ર ઘટનાની જાણ થતાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત માતર પોલિસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાલુ વરસાદે શટર સાથે કરંટ આવ્યો: ઘટના બાબતે સ્થાનિક બિસ્મિલ્લાખાન મલેકે જણાવ્યુ હતું કે, એક વીજળીનો થાંભલો છે જે ઘરની બાજુમાં જ અડીને છે. તે ઘરની પાછળની બાજુએ દુકાન આવેલી છે. જ્યારે કરંટ આવ્યો તે સમય દરમિયાન ચાલુ વરસાદ હતો જેને પરિણામે દુકાનના શટરના સાથે કરંટ આવતા ઘટના બની ત્યાં ત્રણ જણા તેમજ બીજી પણ એક બહેન હતીઅને આ ચારેય જણને કરંટ લાગ્યો હતો.