સુરત : સુરત શહેરમાં લોકોની જીંદગી સાથે રમતા ડિગ્રી વગરના ઝોલાછાપ ડોક્ટરોને પકડવા SOG પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં આજે માત્ર ડિંડોલી વિસ્તારમાંથી જ ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે. તમામ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝોલાછાપ ડોક્ટર વિરુદ્ધ ઝુંબેશ : કોઈપણ ડિગ્રી વિના તબીબ તરીકે પ્રેક્ટિસ કરીને લોકોની જીંદગી સાથે ખેલ કરતા બોગસ તબીબો સામે સુરત પોલીસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના અનુસંધાને SOG પોલીસના PI અશોક ચૌધરીએ તેમની ટીમને બોગસ તબીબોને પકડી લેવા માટે સુચના આપી હતી. પોલીસે એક જ દિવસમાં ડિંડોલીમાં સપાટો બોલાવી દીધો અને ત્રણ બોગસ તબીબને દબોચ્યા છે.
કમ્પાઉન્ડર બન્યો ડોક્ટર : પ્રથમ બનાવમાં ડિંડોલીના સી.આર. પાટીલ નગર રોડ પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચાલતા માતોશ્રી નામના ક્લિનીકમાં પોલીસે રેડ કરી હતી. જેમાં નકલી તબીબ ઇન્દ્રેશ દુધનાથ પાલની ધરપકડ કરી હતી. તેના ક્લિનિકમાંથી પોલીસે દવા અને સીરપની બોટલો સહિત ઈન્જેક્શનનો જથ્થો કબજે કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઇન્દ્રેશ પાલ અગાઉ એક તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ડોક્ટર જે રીતે દવા આપતા તે જોઈને પોતે કામ શીખ્યો અને ખુદનું ક્લિનિક શરૂ કર્યું હતું.
લોકોને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ ક્લિનિકમાં જાય તો પહેલા ચકાસણી કરી લે કે તે સાચા ડોક્ટર છે કે નહીં. જો કોઈ બોગસ ડોક્ટરની જાણકારી મળે તો પોલીસનો સંપર્ક કરે. -- ભગીરથ ગઢવી (DCP, સુરત પોલીસ)
SOG પોલીસનો સપાટો : બીજા બનાવમાં પોલીસે ડિંડોલી માનસી રેસીડેન્સી નજીક સ્થિત શ્રી હરિનગર સોસાયટીમાં આવેલા મધુમિતા ક્લિનીકમાં રેડ કરી હતી. જેમાં બોગસ તબીબ ઉત્તમ બિમલ ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેના ક્લિનિકમાંથી પણ પોલીસે દવા અને ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યા હતો.
દવા અને ઈન્જેકશનનો જથ્થો જપ્ત : ત્રીજા બનાવમાં SOG પોલીસે માનસી રેસીડેન્સીની બાજુમાં આવેલી શિવનગર સોસાયટીમાં સ્થિત સાંઈ ક્લિનીકમાં રેડ કરી હતી. જેમાં ડિગ્રી વગર તબીબ તરીકે કામ કરતા સંજય કુમાર રામક્રિપાલ મોર્યાની ધરપકડ કરી હતી. પોલીસે આ ક્લિનિકમાંથી દવાઓ અને ઈન્જેકશનનો જથ્થો કબજે કરી લીધો હતો.
જનતા જોગ પોલીસની અપીલ : આ સમગ્ર મામલે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ત્રણેય બોગસ તબીબો અગાઉ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. ડોક્ટર જે રીતે દર્દીઓને દવા આપતા તે જોઈને શીખી લઈને પછી ક્લિનિક શરૂ કરી દીધા હતા. લોકોને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ ક્લિનિકમાં જાય તો પહેલા ચકાસણી કરી લે કે તે સાચા ડોક્ટર છે કે નહીં. જો કોઈ બોગસ ડોક્ટરની જાણકારી મળે તો પોલીસનો સંપર્ક કરે.