અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આઇઓસી રોડ પર ઝરમર વરસાદ આવતો હતો. થોડીવારમાં ધોધમાર વરસાદ પડતા લોકો પતરાના શેડ તરફ ભાગ્યા હતા. વાળીનાથ ચોક પર લોકો વરસાદથી બચવા માટે ઝાડ નીચે પોતાનું વાહન પાર્ક કરીને ઊભા હતા. વરસાદની હેલી વચ્ચે અલ્હાદક ખુશ્બુ આવી રહી હતી. આ ખુશ્બુ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. લોકો આ ખુશ્બુનું ઉદગમ સ્થાન શોધી રહ્યા હતા. આમ તેમ નજર કરતા સામે સેવા દાબેલી અને વડાપાવનું બોર્ડ દેખાતું હતું.
માત્ર ₹8માં દાબેલી: આ બોર્ડ પર નજર નાખતા લોકોને પોતાની નરી આંખો પર વિશ્વાસ થતો ન હતો. કારણકે આ મોંઘવારીના જમાનામાં પણ સેવા દાબેલીએ અન્ન સેવાનો ભાવ સાર્થક કર્યો હતો. બોર્ડ પર દાબેલીના માત્ર ₹8 અને વડાપાવના માત્ર રૂપિયા 10 લખ્યા હતા. પહેલી નજરે આ કિંમત પર કોઈને વિશ્વાસ બેસતો ન હતો તેથી અમે નજીક જોઈને આ કિંમતને ખરાઈ કરી હતી. સેવા દાબેલી તરફ જતા વરસાદ વચ્ચે પણ ગ્રાહકોની ભીડ હતી. ગ્રાહકોની ભીડ જોઈને અમને કિંમતો વિશે વધુ શંકા ગઈ હતી કારણ કે દાબેલી બટરમાં શેકીને કાગળની ડીશમાં પીરસવામાં આવતી હતી.
2006 માં ₹ 6 માં શરુઆત કરી: અમે દુકાનમાં બેસેલા નીરવ પટેલ સાથે વાત કરી હતી. નિરવભાઈએ પોતાની દાબેલીની શરૂઆત અંગે જણાવ્યું કે વર્ષ 2005-06માં આ વિસ્તાર વિકસી રહ્યો હતો. આ વિસ્તારમાં મોટાભાગે મધ્યમ વર્ગના લોકો વસવાટ કરવા આવી રહ્યા હતા. આ મધ્યમ વર્ગની અપેક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે વર્ષ 2006 માં ₹ 6 માં દાબેલીની શરૂઆત કરી હતી. ત્યારબાદ મોંઘવારી વધતા તેમણે ભાવમાં થોડો વધારો કર્યો હતો. આજે પણ તેઓ માત્ર આઠ રૂપિયામાં જ લોકોને દાબેલી ખવડાવે છે. અન્ન સેવા તે પ્રભુ સેવાના ભાવ સાથે તેઓ ધંધો કરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. ધંધામાં સેવાનો ભાવ હોવાથી ચાંદખેડાના આઈઓસી રોડ પર તેમને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. તે પાંચ વર્ષ સુધી આઠ રૂપિયાથી પાંચ પૈસા વધારે લેવાના નથી.
મધ્યમ વર્ગીય લોકો માટે આશીર્વાદ રૂપ: સામાન્ય રીતે સસ્તી વસ્તુ વેચાણ થતી હોય એટલે લોકોના મનમાં ગુણવત્તા અંગે શંકા જતી હોય છે. પરંતુ સેવા દાબેલીમાં દાબેલીની ગુણવત્તાનો પણ પૂરતો ધ્યાન રાખવામાં આવે છે. દાબેલીમાં બટાકાનો માવો, ચટણી, શીંગ દાણા સહિત બધી જ વસ્તુઓ નાખવામાં આવે છે. હાઈજીનનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. રૂપિયા આઠમા દાબેલી અને તે પણ બટરમાં ગરમ કરીને પીરસવામાં આવે છે. ચાંદખેડાના મધ્યમ વર્ગીય લોકો માટે સેવા દાબેલી ખરેખર આશીર્વાદ સમાન છે.
ચોખ્ખાઈની કાળજી રખાઈ: ગ્રાહક જયેશ પરમારે જણાવ્યું કે હું છેલ્લા આઠ-નવ વર્ષથી સેવા દાબેલીમાં નિયમિત નાસ્તો કરવા આવું છું. મોટા મોલ અને રેસ્ટોરન્ટમાં સામાન્ય રીતે દાબેલીનો ભાવ 30 થી 35 રૂપિયા હોય છે. તેઓ ખૂબ જ વ્યાજબી ભાવથી ધંધો કરી રહ્યા છે. અને દાબેલીનો ટેસ્ટ પણ ખૂબ સારો છે. મધ્યમ વર્ગના લોકો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ અહીં નાસ્તો કરવા આવે છે. ચોખ્ખાઈની પણ પૂરતી કાળજી લેવામાં આવે છે. દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે સેવા દાબેલીએ ગરીબ અને મધ્યમ વર્ગ સુધી નાસ્તો પહોંચાડવાની અનોખી પહેલ કરી છે.
વિદ્યાર્થીની વૈષ્ણવીએ જણાવ્યું કે હું અહીં પાંચ-છ વર્ષથી દાબેલી ખાવા માટે નિયમિત આવું છું. અહીં માત્ર આઠ રૂપિયામાં દાબેલી મળે છે. જેવું દુકાનનું નામ છે સેવા દાબેલી તેવું જ તેઓ આઠ રૂપિયામાં દાબેલી ખવડાવીને સેવાકીય કાર્ય કરે છે. દાબેલીનો ટેસ્ટ પણ ખુબ સારો છે. મધ્યમ વર્ગીય પરિવારોને પરવડે તેઓ નાસ્તો છે.