બનાસકાંઠા: થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ સુથાર વિશ્વમાં પ્રખ્યાત છે. 1971માં પાકિસ્તાનથી શરણાર્થી બની ભારત આવેલ વિષ્ણુભાઈ સુથાર આજે તેમની પૈતૃક કળામાં અવનવા સંશોધન કરી એપ્લિકવર્ક અને પેચવર્કથી સાડી, ડ્રેસ સહિત અલગ અલગ વસ્ત્રો બનાવી રહ્યા છે. સાથે તેઓ સરહદી વિસ્તારમાં આવતા 22 ગામની 400 જેટલી જરૂરિયાતમંદ મહિલાઓને ઘરે બેઠા રોજગારી પણ આપે છે. તેમણે બનાવેલી સાડીઓ અને ડ્રેસ બોલિવૂડની ઘણી બધી એક્ટ્રેસ પહેરી ચૂકી છે.
વિશ્વસ્તરે પ્રસિદ્ધ: વર્ષ 1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાંથી 500 પરિવારોની સાથે આ કારીગર ભારત આવ્યો હતો. પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ વિષ્ણુભાઈ સુથારના પિતા ગેનાજી પરિવાર સાથે પાકિસ્તાનના નગરપારકરથી રાજસ્થાનના બાડમેર અને પછી બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવીને વસ્યા હતા. તેમના પિતા એપ્લિક વર્ક અને પેચવર્કનો ધંધો કરતા હતા. તેથી તેઓ કારીગરો પણ ત્યાથી જ લઈને આવ્યા હતા. સમય જતા વિષ્ણુભાઈએ કળામાં ઉમેરો કરી તેને વિશ્વસ્તરે પ્રસિદ્ધિ અપાવી છે.
કાપડમાંથી અલગ-અલગ ડિઝાઈન તૈયાર કરી: હાલ તેમણે બનાવેલી કપડાની ડિઝાઈનના ભારત ભરમાં માંગ વધી છે. વિષ્ણુભાઈના પિતા ગેનાજી ચાદર, ભરત વાળી થેલી, ઓશિકા, લગ્નના પહેરવેશ જેવી વસ્તુઓ બનાવતા હતા. વિષ્ણુભાઈએ આ તમામ વસ્તુઓ પોતાના પિતા પાસેથી બનાવવાની શીખી છે. સમય જતાં તેમને ચાદર, કવર બનાવવાની સાથે સાથે કારીગરની સાથે મળીને સાડી, ડ્રેસ, દુપટ્ટા, પડદા, લેડિઝ બેંગ, સોફા, ગાડીના કવર, બેડશીટ, વોલ પીસ, ચાદર, ઓશિકાના કવર બનાવવાની શરૂઆત 100 ટકા હસ્તકળાથી કરી હતી. અમે જે કામગીરી કરીએ છીએ તે જ કામગીરી પાકિસ્તાનમાં થાય છે. આજે પણ તેમના સગા સંબંધીઓ એપ્લિકવર્ક પર કામ કરે છે. અને વિવિધ ચીજ વસ્તુઓ બનાવે છે.
વિષ્ણુભાઈએ કામગીરી અંગે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તેઓ કપડા લાવીને તેના પર ડિઝાઇન છાપે છે. ત્યારબાદ સુથારી કામ કરવાના ઓજારથી લાકડાની પાટ પર હથોડી અને છીણીના ઉપયોગથી કટ કરે છે. પછી કાપેલા કપડાના નીચે એક બીજું કાપડ મુકી ઉપરના કાપડને વાળીને ટાંકા લઈને તૈયાર કરવામાં આવે છે.
ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે, તેમની આ કારીગરીથી પ્રભાવિત થઈને સુનિલ દત્તની પુત્રી તથા સંજય દત્તના બહેન દિવ્યા દત્તે તેમને પોતાના ઘરે બોલાવી વિવિધ વસ્તુઓ બનાવડાવી હતી. આ સિવાય તેમણે પોતાનો એક ડ્રેસ રેડ મુવીના ડિઝાઇનરને આપ્યો હતો. જે ફિલ્મની હિરોઈન ઇલિયાના ડી ક્રુઝે એક ગીતમાં પહેરેલો છે. સાથે તેમના દ્વારા બનાવાતા વસ્ત્રો ગુજરાત સરકારના નિગમ વિભાગમાં મોકલવામાં આવે છે.
તેમના બનાવેલ આ વસ્ત્રો ભારત સરકારના ખાદી ભારતમાં પણ જાય છે. તેમજ ભારત સરકારના ટ્રાયબલ વિભાગ સહિત સમગ્ર ભારતના શહેરોમાં પ્રદર્શન માટે સ્ટોલ બનાવી વેચાણ કરવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છેલ્લા 10 વર્ષથી સાડીઓ, ચાદરો, તેમજ અલગ અલગ વસ્તુઓ તેમના પાસેથી ખરીદે છે.
વિષ્ણુભાઈ દ્વારા બનાવાતી સાડીનો ભાવ 5000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીનો હોય છે. સામાન્ય સાડી બનાવવામાં એક મહિલાને 15થી20 દિવસ લાગે છે. જ્યારે 1 લાખની સાડી બનાવવા માટે એક મહિલાને 5 મહિનાનો સમયે લાગે છે. જ્યારે ડ્રેસનો ભાવ 2000 થી લઈને 5000 રૂપિયા સુધીનો હોય છે. તેને એક મહિલાને બનાવતા 10થી 12 દિવસનો સમયે લાગે છે.
વિષ્ણુભાઇ સુથારની એપ્લિક વર્ક અને પેચવર્કની માંગ સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ ખુબ જ વધી છે. છેલ્લા 15 વર્ષથી સરહદી વિસ્તારના 22 ગામોની જરૂરિયાતમંદ 400 મહિલાઓને સ્વખર્ચે તાલીમ આપે છે. દિવસમાં ટ્રેનિંગની સાથે 300થી 400 રૂપિયા વેતન પેટે આપવામાં આવે છે. રેઈડ ફિલ્મમાં 'નીત ખેર મંગા' ગીતમાં ઈલિયાના ફ્રુજે પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે. જે વિષ્ણુ સુથારે બનાવ્યો છે. એ કહે છે કે અમે આ ડ્રેસ ટ્રેડિંગવાળાને આપ્યો હતો. ટ્રેડિંગ કંપની પાસેથી ડિઝાઈનરે લીધો હતો અને એમણે ઈલિયાના ડી ફ્રુજને ફિલ્મમાં પહેરવા માટે આપ્યો હતો.આ ડ્રેસ એમને ખૂબ જ ગમ્યો હતો.