ભાવનગર: વિક્રમ સંવત 2081ના નવા વર્ષમાં દેવદિવાળી બાદ લગ્ન ગાળાનો પ્રારંભ થાય છે, ત્યારે વર્ષ 2024ના અંત અને 2025માં કુલ કેટલા લગ્નના મુહૂર્તો છે અને કઈ કઈ તારીખોમાં લગ્ન સંભવ છે. આ માટે ETV BHARATએ જ્યોતિષ કિશન જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે લગ્નના મુહૂર્તોને લઇને વિગતે માહિતી આપી છે.
વિક્રમ સવંત 2081માં કેટલા મુહૂર્ત: વિક્રમ સંવત 2081માં લગ્ન માટેના મુહૂર્તોનો પ્રારંભ થવાનો છે, ત્યારે લગ્ન ગાળાના મુહૂર્ત કયા છે. તેને લઈને ETV BHARATએ જ્યોતિષ કિશન જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. કિશન જોષીએ જણાવ્યું હતું કે, વિક્રમ સંવત 2081 માં 12 નવેમ્બરના રોજ દેવદિવાળી બાદ લગ્ન ગાળો શરૂ થશે, જે જૂન 2025 સુધીના મુહૂર્તો મળી રહ્યા છે. વિક્રમ સવંત 2081 માં કુલ 70 લગ્નના મુહૂર્ત છે. જેમાં સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં મુહૂર્ત છે.
વર્ષ 2024ના અંત સુધીમાં મુહૂર્ત અને તારીખ: જ્યોતિષ કિશન જોશીએ જણાવ્યું હતું કે, પહેલું મુહૂર્ત 16 મી નવેમ્બરથી છે, જેથી લગ્નગાળાની સિઝનની શરૂઆત થશે. ત્યારબાદ નવેમ્બરમાં 16 થી 22 નવેમ્બર અને 23 થી 27 નવેમ્બર સુધીના મુહૂર્ત છે, તે પછી ડિસેમ્બર મહિનામાં તારીખ 2 થી 7 અને 11 અને 12 તારીખના મુહૂર્ત છે. જો કે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમુહૂર્તાઓનો પ્રારંભ થશે. જે ગાળામાં કોઈ લગ્ન મુહૂર્ત નથી.
વર્ષ 2025માં 14 જાન્યુઆરી બાદ થશે પ્રારંભ: જ્યોતિષ કિશન જોશીએ જણાવ્યું હતું કે, 14 જાન્યુઆરી બાદ ફરી લગ્ન ગાળાનો પ્રારંભ થશે. જેમાં જાન્યુઆરી માસમાં 25, 26 અને 30 એમ 3 દિવસના મુહૂર્ત છે, જ્યારે ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે મુહૂર્ત છે. જેમાં જોઈએ તો 3,4,6,7 અને 12 થી 17 અને 20 થી 23 અને 25 ફેબ્રુઆરી સુધીના મુહૂર્ત છે જ્યારે માર્ચ મહિનામાં માત્ર 2 જ 1 થી 3 માર્ચ સુધીનાં મુહૂર્ત છે.
માર્ચથી એપ્રિલમાં હોળાષ્ટક બાદ મુહૂર્ત: જ્યોતિષ કિશન જોશીએ જણાવ્યું હતું કે 14 માર્ચ 2025 થી 14 એપ્રિલ 2025 સુધી મીનારક હોવાથી કોઈ મુહૂર્ત નથી. ત્યારબાદ એપ્રિલ માસમાં 16, 18, 19, 20, 21, 22, 25, 29 અને 30 તારીખના રોજ મુહૂર્ત છે, જ્યારે મે મહિનામાં 1, 5, 6, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 20, 23 અને 24 એમ સૌથી વધારે મે મહિનામાં મુહૂર્ત છે. જ્યારે જૂન મહિનામાં 1, 2, 5 અને 6 તારીખના મુહૂર્ત છે.
જૂન પછી ગુરુ અસ્ત બાદમાં દેવઉઠી એકાદશી: કિશન જોશીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં આ વર્ષે મહત્તમ 500 થી 550 જેટલા લગ્ન નક્કી થઈ ગયા છે. જો કે 12 મી જૂનથી 7 જુલાઈ સુધી ગુરુ અસ્ત હોવાથી મુહૂર્ત મળતું નથી. ગુરુ અને શુક્ર અસ્ત હોય ત્યારે લગ્નના મુહૂર્ત મળતા નથી. જો કે, ત્યારબાદ 6 જુલાઈથી દેવઉઠી એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ થવાથી મુહૂર્ત મળશે નહીં. આમ 70 જેટલા મુહૂર્ત આ વર્ષે લગ્નના મળી રહ્યા છે.
2025માં વસંત પંચમીએ નથી મુહૂર્ત: લગ્ન ગાળાની સિઝનમાં વસંત પંચમીના લગ્નને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ વર્ષ 2025 માં વસંત પંચમીએ લગ્ન શક્ય નથી. જ્યોતિષ કિશન જોશીએ જણાવ્યું હતું કે, 2025માં વસંત પંચમી 2 ફેબ્રુઆરીના રોજ છે. જો કે તે સમયે તિથિનો ક્ષય હોવાથી લગ્નનું મુહૂર્ત મળતું નથી, કારણ કે, શાસ્ત્રના નિયમ પ્રમાણે ક્ષય વાળી તિથિમાં લગ્નના મુહૂર્તને સારૂ ગણવામાં આવતું નથી. આથી વસંત પંચમી કોઈ લગ્નનું મુહૂર્ત નથી.
આ પણ વાંચો: